નડિયાદ, તા.૯ 

 યાત્રાધામ ડાકોરમાં જન્માષ્ટમી પર્વની ઉજવણી બાબતે ૮૬૫ વર્ષના ઇતિહાસમાં પહેલીવાર ડાકોર મંદિર જન્માષ્ટમીએ બંધ રહેશે. એકતરફ મંદિર પારંપારિક રીતે ઝગમગાટ રોશનીથી શણગારવામાં આવી રહ્યું છે. બીજી બાજુ ડાકોરમાં કોરોના સંક્રમિત દર્દીઓની વધતી સંખ્યા મંદિર વહીવટકર્તાઓની ચિંતામાં વધારો કરી રહી છે. વહીવટકર્તાઓએ સ્પષ્ટ કરી દીધું છે કે જન્માષ્ટમી પર્વ પર મંદિર બંધ રહેશે. જે કાંઇ કાર્યક્રમ યોજાશે, તે બંધ બારણે થશે. કોર રણછોડરાયજી મંદિર હાલ નજીકના સમયમાં ખુલે તેવા કોઈ જ એંધાણ જણાતા નથી. ડાકોરમાં કોરોના સંક્રમિત દર્દીઓની વધતી જતી સંખ્યાને લઈ મંદિર વહીવટકર્તાઓ સૂત્રોનું જણાવવું છે કે, ડાકોર મંદિર નજીક ૧૦૦ થી ૧૫૦ મીટરના એરિયામાં સંક્રમિત દર્દીઓની સંખ્યામાં સખ્ત વધારો થયો છે. તેથી યાત્રાળુ અને દર્શનાર્થીઓના હિતમાં મંદિર વધુ સમય બંધ રાખવાનો ર્નિણય કરાયો છે. ડાકોરમાં સંક્રમિત દર્દીઓની સંખ્યા ઓછી થયા બાદ મંદિર દર્શનાર્થીઓ માટે ફરી ખુલ્લું મુકવામાં આવશે. મંદિર દર્શનાર્થીઓ માટે ખોલવાની હિંમત નથી કરી રહ્યાં.  

છેલ્લાં થોડાં દિવસમાં ડાકોરમાં સંક્રમિત દર્દીઓ વધ્યા છે. જેને કારણે મંદિરના દ્વાર હજુ પણ દર્શનાર્થીઓ માટે બંધ રહેશે અને જન્માષ્ટમીમાં પણ આ જ સ્થિતિ રહેશે. યાત્રાધામ ડાકોર રણછોડરાય મંદિરના ૮૬૫ વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત એવું બનશે કે કૃષ્ણ જન્મોત્સવ અને નંદ મહોત્સવ પ્રસંગે મંદિરમાં ભક્તોની ગેરહાજરી હશે! મંદિરના ઓનલાઈન રાત્રિદર્શનનું સમયપત્રક પણ જાહેર કરવામાં આવ્યું નથી. ડાકોરનું મંદિર પ્રથમ વખત બંધ રહેતા ભકતોમાં દર્શનથી વંચિત રહેશે.