વડોદરા : વડોદરાના ઈતિહાસમાં સૌ પ્રથમવાર માત્ર પાંચ મહિનામાં પો. કમિશનર બદલાયા હોવાનો બનાવ બન્ય છે. દારૂ-જુગારની પ્રવૃત્તિઓ ઉપર અંકુશ મેળવવામાં નિષ્ફળ રહ્યા હોવા ઉપરાંત પોલીસ કમિ. આર.બી.બ્રહ્મભટ્ટનો પોલીસતંત્ર ઉપર પણ કાબૂ રહ્યો નથી એવી છાપ પડી હોવાથી જ પીઆઈ, પીએસઆઈથી માંડી પોલીસ કર્મચારીઓ ફાટીને ધુમાડે ગયા હતા. તેમના સ્થાને સમશેરસિંગની નિમણૂક કરવામાં આવી છે.  

આર.બી.બ્રહ્મભટ્ટની શહેર પોલીસ કમિશનર તરીકે તા.ર ઓગસ્ટે નિમણૂક થઈ હતી અને તા.૬ના ઓગસ્ટે ચાર્જ સંભાળ્યો હતો. શહેરમાં અગાઉ મૃતઃપ્રાય થઈ ગયેલી દારૂ-જુગારની હાટડીઓ પણ પુનઃ ધમધમવા માંડી હતી. અંગે શહેરીજનોની સતત ફરિયાદોની અવગણતના થતાં અંતે મામલો છેક ગાંધીનગર સુધી પહોંચ્યો હતો.

પાછલા ચાર મહિના દરમિયાન શહેરમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા પણ ઉપરાછાપરી દરોડા પાડવામાં આવ્યા હતા અને મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ઉપરાંત મોટો જુગાર પણ ઝડપાતાં શહેર પોલીસ તંત્રની ખાસ્સી બદનામી થઈ હતી અને પીઆઈથી માંડી પીએસઆઈને સસ્પેન્ડ પણ કરાયા હતા. આ ઉપરાંત શહેરના રાજકીય અગ્રણીઓ એ પછી ભાજપ હોય કે કોંગ્રેસ, એમની સાથે સારા સંબંધો જાળવી નહીં શરતા પોલીસ કમિશનર વિરુદ્ધ છેક ગૃહ રાજ્યમંત્રી સુધી રજૂઆત થઈ હતી.

 જેમાં માજી મેયર સામે ગુનો નોંધાવા ઉપરાંત તાજેતરમાં જ માજી સાંસદને પીએસઆઈએ મારેલા માર ઉપરાંત અન્ય બનાવોમાં શહેર પોલીસ તંત્ર બદનામ થયું હતું. આવા જુદા જુદા કારણોસર પોલીસ કમિશનર આર.બી.બ્રહ્મભટ્ટની બદલી થઈ હોવાનું માનવમાં આવે છે. જ્યારે ગાંધીનગરથી શહેર પોલીસ કમિશનર તરીકે આવેલા સમશેર સિંગ સ્વચ્છ છબી ધરાવતા હોવા ઉપરાંત સાયબર એક્સપર્ટ અને રમતવીર હોવાનું બહાર આવ્યું છે.