દિલ્હી-

દેશની કુલ વિદેશી હૂંડિયામણની અનામતમાં મુખ્ય હિસ્સો ધરાવતી વિદેશી ચલણી અસ્ક્યામતોમાં વધારો થતાં ગત ૧૬ એપ્રિલના રોજ પૂરા થયેલા સપ્તાહે કુલ વિદેશી હૂંડિયામણની અનામત ૧.૧૯૩ અબજ ડૉલર વધીને ૫૮૨.૪૦૬ અબજ ડૉલરની સપાટીએ રહી હોવાનું રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાએ સાપ્તાહિક આંકડાકીય માહિતીમાં જણાવ્યું છે.

નોંધનીય બાબત એ છે કે આ પૂર્વેના નવમી એપ્રિલે પૂરા થયેલા સપ્તાહે અનામત ૪.૩૪૪ અબજ ડૉલર વધીને ૫૮૧.૨૧૩ અબજ ડૉલરની સપાટીએ રહી હતી, જ્યારે ગત ૨૯ જાન્યુઆરી ૨૦૨૧ના રોજ પૂરા થયેલા સપ્તાહે અનામત ૫૯૦.૧૮૫ અબજ ડૉલરની ઐતિહાસિક ઊંચી સપાટીએ પહોંચી હતી. દરમિયાન સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન દેશની વિદેશી ચલણી અસ્ક્યામતો ૧.૧૩ અબજ ડૉલર વધીને ૫૪૦.૫૮૫ અબજ ડૉલરના સ્તરે રહી હતી. અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે વિદેશી ચલણી અસ્ક્યામતોમાં ડૉલર ઉપરાંત યુરો, યેન અને પાઉન્ડ જેવાં ચલણો સામે રૂપિયાના મૂલ્યમાં થતી વધઘટને પણ ધ્યાનમાં લેવામાં આવતી હોય છે.