પાવી જેતપુર

પાવી જેતપુરના રાયપુર ખાતે ગત મોડી સાંજે દિપડાનું બચ્ચું એક કુવા પડ્યું હતું. આની જાણ વન વિભાગને થતા વન વિભાગના અધિકારીઓ પૂરતા સાધન વિના જ રેસ્ક્યુ માટે દોડી ગયા હતા.

પાવી જેતપુર તાલુકાના રાયપુરની સીમના એક કૂવામાં ગત મોડી સાંજે દિપડાનું બચ્ચું કુવા પડ્યું હતું. આ વાતની જાણ ખેતર માલિકને થતા ખેતર માલિકે ગામના આગેવાનને કરીને વન વિભાગને કરી હતી. દિપડાનું બચ્ચું કૂવામાં પડ્યું હોવાની જાણ વન વિભાગને થતા જ વન વિભાગના અધિકારીઓ મોડી સાંજે અંધારું થવાના સમયે પૂરતા સાધન વિના ઘટના સ્થળે દોરડા લઈને પહોંચી ગયા હતા. અને ઘટનાસ્થળે પહોંચીને કૂવામાં પડેલા દિપડાને અંધારામાં બરાબર જોઈ પણ શકતા ન હતા અને રેસ્ક્યુ કરવાનો પ્રયત્ન કરતા નજરે પડ્યા હતા. ત્યારે આ વાતની જાણ ગ્રામજનોને થતા કુતુહલવશ કૂવામાં પડેલા દીપડાના બચ્ચાને જોવા ઘટનાસ્થળે ખેતરમાં વપરાતી ટોર્ચ લાઈટ લઈને જતા દીપડો નજરે પડ્યો હતો.

રેસ્ક્યુના કોઈપણ સાધન વિના ઘટનાસ્થળે પહોંચેલા વન વિભાગે આ દીપડાના બચ્ચાને બહાર કાઢવા ગામમાંથી ખાટલો મંગાવી કુવામાં ઉતાર્યો હતો. દિપડાનું બચ્ચું કૂવામાં ઉતારેલા ખાટલામાં બેસી ગયું ઉચ્ચ અધિકારીઓ આવવાના હોવાની જાણ થતાં થોડીવાર સુધી તેને અંદર જ રહેવા દીધું હતું. એટલામાં દિપડાનું બચ્ચું ખાટલા પરથી ફરીથી કૂવામાં પડી ગયું હતું. જેને ઉચ્ચ અધિકારીઓ આવ્યા બાદ ફરીથી ખાટલામાં બેસાડતા અડધો કલાક લાગ્યો, અને ઉચ્ચ અધિકારીઓએ દીપડાના બચ્ચાને દોરડાનો ગાળિયો બનાવીને તેને યુક્તિ પૂર્વક દિપડાને ભરાવ્યો હતો.

 બીજી તરફ બે કલાક બાદ પિંજરાને કુવા પાસે લાવીને દોરડા અને ખાટલાની મદદથી દીપડાના બચ્ચાને બહાર કાઢવામાં વન વિભાગને સફળતા મળી હતી. દીપડાના બચ્ચાને બહાર કાઢ્યા બાદ ત્યાં જ સુરક્ષિત રીતે છોડી દેવામાં આવ્યું હતું.