મુંબઈ-

દાગીનાઓ પર ખાલી સોનાનો ઢોળ ચઢાવીને તેને વેચવાનું કામ કરતા એક વેપારી અને ત્રણ મહિલાઓની ધરપકડ કરી છે. આ બાબતે દહિસર પોલીસને ફરિયાદ મળ્યાને પગલે કામગીરી હાથ ધરાઈ હતી. 

પોલીસે જણાવેલી આ બનાવની વિગત મુજબ, મહેન્દ્ર બાફના નામના પોતાની જ્વેલરી શોપ ધરાવનારા શખ્સે ફરીયાદ કરી હતી કે બૂરખો પહેરેલી એક મહિલા તેની શોપમાં દાગીના ગીરો મૂકવા આવી હતી. બિલ માંગતાં તેણે પોતાને તે ચેઈન ગિફ્ટમાં મળી હોવાનું તેણે કહ્યું હતું. વેપારીએ તેને રોકડા નાણાં લોન પર ધીર્યા બાદ તેને ખબર પડી હતી કે, આ દાગીના નકલી હતા.

આ બાબતે તપાસ કરતા પોલીસ જ્યારે અસલી ગુનેકાર સુધી પહોંચી ત્યારે તેને ખબર પડી હતી કે હરિશચંદ્ર ભોલાનાથ સોની નામનો આ શખ્સ સોનાના દાગીના પર સોનાનો ઢોળ ચઢાવતો હતો એટલું જ નહીં પણ તેના પર હોલમાર્કનો માર્કો પણ મારતો હતો. ત્યારબાદ સલમ ફહીમ કાઝી, ગુડિયા ઝહૂર ખા્ન અને સલમે મેતાબ નામની  મહિલાઓને અન્ય વેપારીઓ કે બેંક પાસે સોનાના દાગીના ગીરો મૂકીને લોન માટે વેચાણ માટે મોકલતો હતો. પ્રારંભિક તપાસમાં આ ગેંગે કેટલાંક ઝવેરીઓને તેમજ લોકોને નકલી દાગીના વેચ્યા હોવાનું કે ધીરાણ પર નાણાં લીધા હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે બનાવની વધારે તપાસ હાથ ધરી છે.