વડોદરા : કોરોનાને કારણે તંત્રએ અનેક પ્રતિબંધો ફરમાવ્યા હોવા છતાં શહેરમાં કેટલાક સ્થળોએ ધૂળેટીની ઉજવણી કરવામાં આવી હતી. ખાસ કરીને યુવાધને આ રંગોત્સવને સોશ્યિલ ડિસ્ટન્સ અને માસ્ક વગર ઉજવી જાેખમ વહોર્યું હતું. જાેકે આવી ઉજવણી જુજ સ્થળોએ થઇ હતી. મોટા ભાગની સોસાયટી, પોળોના રહિશો ધૂળેટી મનાવાથી દુર રહ્યા હતાં. મોલે તુજારોએ ફાર્મ હાઉસ અને રીસોર્ટમાં જઇ ધૂળેટી ઉજવી હતી.

કોર્પોરેશન અને પંચાયતોની ચૂંટણીઓ બાદ વડોદરા શહેર સહિત સમગ્ર ગુજરાતમાં કોરોનાએ હાહાકાર મચાવી મૂક્યો છે. પરિણામે સરકાર દ્વારા હોળી અને ધૂળેટીના તહેવારમાં કોરોનાનુ સંક્રમણ ન વધે તે માટે સાર્વજનિક હોળી ધૂળેટી મનાવવા ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો. ઉત્સવપ્રિય લોકોએ પણ સરકાર દ્વારા મૂકવામાં આવેલા પ્રતિબંધને માન આપીને અને કોરોનાના ડરથી ભેગા થઈને હોળી મનાવવાનું ટાળ્યું હતું. જાેકે, કેટલાક સ્થળોએ સોશિયલ ડિસ્ટન્સનું પાલન થયું ન હતું.

હોળીને શ્રદ્ધાપૂર્વક અને ઉત્સાહભેર મનાવ્યા બાદ આજે ઉત્સવપ્રિય નગરજનો દ્વારા રંગોના ઉત્સવ ધૂળેટીને રંગબેરંગી કલર સાથે મનાવી હતી. પોળો અને સોસાયટીના લોકોએ પોતાના મિત્રો, શુભેચ્છકો, કુટુંબીજનોના ઘરે જઈને ધૂળેટી મનાવવાના બદલે પોતાની સોસાયટીમાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરીને ધૂળેટી રમ્યા હતા અને એકબીજાને ધૂળેટી પર્વની શુભકામનાઓ પાઠવી હતી. સોસાયટી અને પોળોમાં નાના બાળકોએ પણ રંગો ભરેલી પિચકારી અને ગુલાલ તેમજ રંગબેરંગી હર્બલ કલર સાથે ધુળેટીનો આનંદ લૂટ્યો હતો. નાના બાળકોથી લઇ અબાલ-વૃદ્ધએ રંગોના પર્વ ધૂળેટીની મનાવ્યું હતું.

કોરોનાની મહામારીના કારણે અને સરકાર દ્વારા મૂકવામાં આવેલા પ્રતિબંધના પગલે સોસાયટી અને પોળોમાં ખાણી પીણીના કાર્યક્રમો રદ્દ કરવામાં આવ્યા હતા. જાેકે, કેટલીક સોસાયટી અને પોળોમાં ખાણીપીણીના કાર્યક્રમો અને ડીજેના તાલે ધૂળેટીનો પર્વ ઉત્સાહભેર મનાવાયો હતો. કોરોનાના વધી રહેલા કેસોને ધ્યાનમાં લઇને સરકાર દ્વારા નદી કિનારાના ન્હાવાના સ્થળો ઉપર પ્રતિબંધ મૂક્યો હોવાથી વડોદરા નજીક આવેલ મહીસાગર નદી કિનારાના લાછણપુર, સિંધરોટ તેમજ નર્મદા નદી કિનારાના દીવેર, નારેશ્વર, ચાણોદ સહિતના સ્થળો સુમસામ રહ્યા હતા. નદી કિનારાના સ્થળોએ વહેલી સવારથી જ શહેર, જિલ્લા પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.સૌ કોઇના પ્રિય એવા રંગોત્સવને રાજકીય અગ્રણીઓ દ્વારા પણ સોશિયલ ડિસ્ટન્સ સાથે મનાવવામાં આવ્યો હતો. કોરોનાના વધી રહેલા કેસોના પગલે લોકોએ પણ ધૂળેટી પર્વ સાદગીથી મનાવ્યું હતું અને અજાણી વ્યક્તિઓને રંગવાનું ટાળ્યું હતું. વડોદરા શહેર-જિલ્લામાં રંગોનો પર્વ ધૂળેટી શાંતિપૂર્ણ રીતે ઉજવાય તે માટે શહેર જિલ્લા પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. પોલીસ તંત્ર દ્વારા પણ રંગોના પર્વ ધૂળેટીની ઉજવણી કરવામાં આવી હતી.

સિંધરોટ ચેક ડેમ જવાના રસ્તે પોલીસ પહેરો મુકાયો હતો

શહેર નજીકથી પસાર થતી મહિસાગર નદી ઉપર સિંધરોટ પાસે ચેકડેમ આવેલો છે. જ્યાં રજાઓના દિવસોમાં ખાસ કરીને તહેવારો ટાણે ભારે ભીડ જમા થાય છે. ધૂળેટી મનાવવા માટે યુવક યુવતીઓનું આ ફેવરીટ સ્થળ છે ત્યારે કોરોના વધુ ફેલાય નહીં અને ડુબવાના બનાવો બનતા અટકાવવા માટે જિલ્લા પોલીસે નદી કિનારે નહ્વા જવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો હતો તેમ છતાં લોકો જાય નહી એ માટે નદીએ જવાના રસ્તે બેરીકેટ લગાવી પોલીસનો બંદોબસ્ત મુકી દેવાયો હતો.