વડોદરા : વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ સભ્ય રાજેશ ઠક્કરને ભાજપમાંથી ટિકિટ નહીં મળતાં બળવો કરીને તેમને અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી, પરંતુ સોગંદનામામાં તેમણે અધૂરી વિગતો ભરી હોવાની ભાજપાના ઉમેદવાર દ્વારા કરાયેલી રજૂઆતને લઈને ફોર્મ ચકાસણીની સુનાવણીમાં સોગંદનામું અધૂરી વિગતોવાળું જણાતાં ચૂંટણી અધિકારીએ ફોર્મ રદ કર્યુ હતું.

ભાજપની ટિકિટ નહીં મળતાં મહિલા કાઉન્સિલર સહિત બે કાઉન્સિલર અને શિક્ષણ સમિતિના પૂર્વ સભ્ય રાજેશ ઠક્કરે બળવો કરીને અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. તેમણે સ્કાયલેબ ઉમેદવાર મુકાતાં નારાજ થઈને વિસ્તારના લોકો અને કાર્યકરોની લાગણીને ધ્યાનમાં રાખી ઉમેદવારી નોંધાવી હોવાનું જણાવ્યું હતું. ભાજપની ડેમેજ કંટ્રોલ કમિટી દ્વારા અપક્ષ ઉમેદવારી નોંધાવનારા તમામને ફોર્મ પરત ખેંચવા સમજાવવામાં આવી રહ્યા છે. જાે કે, આજે ફોર્મ ચકાસણીમાં વોર્ડ નં.૧૨ના ભાજપના ઉમેદવાર મનીષ પગારે, રાજુ ઠક્કરના ફોર્મ સામે વાંધો ઉઠાવી સોગંદનામામાં વિગતો અધૂરી હોવાની રજૂઆત કરી હતી, જે સંદર્ભે બપોરે ચાર વાગે ચૂંટણી અધિકારીએ સુનાવણી હાથ ધરતાં સુધારેલું સોગંદનામું રજૂ થયું હતું, જેની ચકાસણીમાં તે સોગંદનામું સ્ટેમ્પ પેપર વગરનું અને કોલમો અધૂરા રાખેલ હોવાનું જણાતાં ઉમેદવારીપત્રનો અસ્વીકાર કરવાનો હુકમ કર્યો હતો. જાે કે, રાજુ ઠક્કરે તંત્ર ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ કર્યો હતો.