વડોદરા : વડોદરા શહેરની ગોત્રી હોસ્પિટલમાં ઓક્સિજનની અવારનવાર વર્તાતી અછતને કારણે ગોત્રી હોસ્પિટલના વહીવટીતંત્ર દ્વારા હોસ્પિટલ કેમ્પસમાં ૧૩,૦૦૦ લિટર લિક્વિડ ઓક્સિજન ટેન્કના ઈન્સ્ટોલમેન્ટની કાર્યવાહી હાથ ધરી હતી. યુદ્ધના ધોરણે ઓક્સિજન ટેન્કની કામગીરી પૂર્ણ કર્યા બાદ આજે આ ટેન્કમાં લિક્વિડ ઓક્સિજન ફિલિંગનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ખાસ ફરજ પરના અધિકારી ડો. વિનોદ રાવ, હોસ્પિટલના સુપ્રિ. ડો. વિશાલાબેન કોવિડ સેન્ટરના નોડલ અધિકારી ડો. શીતલ મિસ્ત્રી સહિત અન્ય ઉચ્ચ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. હાલ કોરોનાની મહામારીમાં સંખ્યાબંધ દર્દીઓ કોરોનાની સારવાર માટે ગોત્રી હોસ્પિટલમાં દાખલ થઈ રહ્યા છે. થોડાં સમય અગાઉ ગોત્રી હોસ્પિટલમાં ઓક્સિજનની ગંભીર સમસ્યા સર્જાય તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. જાે કે, હોસ્પિટલના વહીવટીતંત્રના અધિકારીઓ ઓએસડી ડો. વિનોદ રાવને જણાવતાં તેમને તાબડતોબ ઓક્સિજનની વ્યવસ્થા કરી હતી તે બાદ ગોત્રી હોસ્પિટલમાં ઓક્સિજનની સમસ્યા ન સર્જાય તે માટે સયાજી હોસ્પિટલમાં ઓક્સિજન ટેન્ક ઈન્સ્ટોલ કર્યા બાદ ગોત્રી હોસ્પિટલમાં ૧૩,૦૦૦ લિટર ઓક્સિજન ટેન્ક બનાવવાનો નિર્ણય કરી તેની કામગીરી હાથ ધરી હતી. લિક્વિડ ઓક્સિજન ટેન્ક તૈયાર થઈ જતાં આજે તેનો પ્રારંભ કરાયો હતો.