વડોદરા. શહેરની વિવિધ સરકારી તેમજ ખાનગી હોસ્પિટલોમાં કોરોના તેમજ શંકાસ્પદ કોરોનાની સારવાર લઈ રહેલા પૂર્વ મહિલા કાન્સિલર સહિત ૧૬ વ્યક્તિઓના મોત નીપજ્યાં હોવાનું જાણવા મળે છે. મૃત્યુ પામેલી વ્યક્તિઓમાં મહત્તમ વૃદ્ધ પુરુષ અને મહીલાનો સમાવેશ થાય છે. જ્યારે શહેરની ગોત્રિ તેમજ સયાજી હોસ્પિટલ ઉપરાંત વિવિધ ખાનગી હોસ્પિટલમાં કોરોના અને શંકાસ્પદ કોરોનાની સારવાર લઈ રહેલા ૧૬ દર્દીઓના મૃત્યુ થયાનું જાણવા મળે છે. મૃત્યુ પામેલા દર્દીઓમાં ડભોઈની પ૧ વર્ષીય મહીલા, પોલોગ્રાઉન્ડ વિસ્તારના ૭૯ વર્ષીય વૃદ્ધ, ગોરવા વિસ્તારની ૮૩ વર્ષીય વૃદ્ધા અને અલવાનાકાની ૬૧ વર્ષીય વૃદ્ધ, માંડવી વિસ્તારની ૭૦ વર્ષીય વૃદ્ધા, ગોત્રી મધર સ્કૂલ વિસ્તારના ૮૪ વર્ષીય વૃદ્ધ, જાંબુઆ વિસ્તારના વૃદ્ધા, ગોરવા, પ્રતાપગંજના આધેડ સહિતનો સમાવેશ થાય છે.

હજુ સુધી કરફયૂ ભંગનો એકપણ કેસ નોંધાયો નથી

લૉકડાઉન દરમિયાન કરફયૂ ભંગના કરાયેલા હજારો કેસોના કારણે પોલીસતંત્ર ઉપર કામકાજનું અતિશય ભારણ વધ્યું હોવાથી છેલ્લા ત્રણ દિવસથી પુનઃ કોરોના વકરતાં કડક રાત્રિ કરફયૂના અમલની જાહેરાત કરવા છતાં પોલીસે હજુ સુધી રાત્રિ કરફયૂ ભંગનો એકપણ કેસ નહીં કરી હળવું વલણ અપનાવ્યું છે. કોરોના વકરતાં રાત્રિ કરફયૂનો અમલ ૧૦ના બદલે રાત્રે ૯ વાગે કરી દેવાયો હોવા છતાં જાહેર માર્ગો ઉપર વાહનોની અવરજવર સતત ચાલુ જ હોવાનું જાેવા મળે છે.ત્યારે રાત્રિ દરમિયાન માર્ગો ઉપર બેરિકેટ લગાવાયા છે પરંતુ વાહનચાલકોને અટકાવી ચેકિંગ કરવામાં આવતું નથી, જેના કારણે પોલીસે ત્રણ દિવસ થયા હોવા છતાં એકપણ કેસ હજુ સુધી નોંધ્યો નથી કે કોઈની પણ અટકાયત કરી નથી. બીજી તરફ કોરોનાએ બીજા રાઉન્ડમાં ઝડપથી ફેલાવવાનું શરૂ કરતાં પોલીસ વિભાગના પણ કેટલાક કર્મચારીઓ કોરોનાની ઝપેટમાં આવી ગયા હોવાનું બહાર આવ્યું છે.