અમદાવાદ, ગુજરાતના પૂર્વ સીએમ અને ભારતના ભુતપૂર્વ વિદેશ મંત્રી માધવસિંહ સોલંકીનું ૯૪ વર્ષે નિધન થયુ છે. કાૅંગ્રેસના અગ્રણી રાજકારણીઓમાં તેમનું નામ આવે છે. માધવસિંહ સોલંકી ચાર વખત એટલે કે ૧૯૭૩-૧૯૭૫-૧૯૮૨-૧૯૮૫માં ગુજરાતના મુખ્ય મંત્રી રહી ચૂક્યા હતા. માધવસિંહ સોલંકીએ બાળકોને શિક્ષણની સાથે સાથે પૌષ્ટિક ખોરાક પણ મળી રહે તે હેતુથી શાળાઓમાં બાળકો માટે મધ્યાહન ભોજન યોજના લાગુ કરી હતી. ગુજરાત રાજ્યનાં પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીનો રાજ્યના વિકાસમાં સિંહફાળો રહેલો છે. પુર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીએ ૧૯મી નવેમ્બર ૧૯૮૪ના રોજ ગુજરાતમાં મધ્યાહન ભોજન યોજના શરૂ કરી હતી. શરૂઆતમાં રાજ્યના ૬૮ તાલુકામાં શરૂ થયેલી યોજના ડિસેમ્બર ૧૯૮૪થી સમગ્ર રાજ્યમાં અમલી બની હતી. ૨૦૦૧ અને ૨૦૦૪ના સર્વોચ્ચ અદાલતના ચુકાદાઓ પછી યોજના સમગ્ર દેશમાં લાગુ પાડવામાં આવી.૧૯૯૫થી યોજના માટે કેન્દ્ર સરકાર ૭૫% અનુદાન આપે છે. આજે ગુજરાતનાં તમામ ગામો અને શહેરી વિસ્તારોની સરકારી પ્રાથમિક શાળાઓમાં બાળકોજાેગ આ યોજના અમલી છે, જેમાં ૪૫૦ કેલેરીનો ૧૮૦ ગ્રામ આહાર સરેરાશ ૨૦૦ દિવસ આપવામાં આવે છે. માધવસિંહ સોલંકીને રશિયાના પ્રવાસ દરમિયાન આ યોજનાની જાણ થયેલી. જે એમણે તાત્કાલિક ગુજરાતમાં અમલી બનાવી. એમની ઇચ્છા હતી કે આખા દેશમાં આ થવું જાેઈએ. ત્યારે તેમણે ત્યારના વડાપ્રધાન ઇન્દિરા ગાંધીને આ અંગે વાત કરી હતી. પરંતુ ત્યારે આ યોજના દેશમાં લાગુ થઇ ન હતી. બાદમાં માધવસિંહ કેન્દ્રમાં આયોજનમંત્રી બન્યા ત્યારે એમણે વડાપ્રધાન રાજીવ ગાંધીને આ અંગે વાત કરી. ત્યારે નાણા સચિવ મનમોહન સિંહે આર્થિક કારણ આગળ ધર્યા, પણ રાજીવ ગાંધીએ માધવસિંહને આયોજન પંચ દ્વારા મધ્યાહ્ન ભોજન યોજના દેશભરમાં લાગુ કરી હતી.

કેબિનેટ બેઠકમાં નીતિન પટેલે માધવસિંહના નિધન પર શોક પ્રસ્તાવ પસાર કર્યો

મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં પૂર્વ મુખ્યમંત્રી સ્વ. માધવસિંહ સોલંકીના દુઃખદ અવસાન અંગે શોક વ્યક્ત કરી શ્રદ્ધાંજલી પાઠવવામાં આવી હતી. મંત્રીમંડળના સભ્યોએ આ બેઠકમાં સદગત માધવસિંહ સોલંકીના સન્માનમાં બે મિનિટનું મૌન પાળી દિવંગત આત્માની પરમ શાંતિની પ્રાર્થના કરી હતી. કેબિનેટની બેઠકમાં ડેપ્યૂટી સીએમ નીતિન પટેલે માધવસિંહ સોલંકી વિશે એક નિવેદન આપ્યું છે. જાહેર જીવન અને સમાજ જીવનમાં તેમના સેવાકીય પ્રદાનની સરાહના કરતા શોક દર્શક પ્રસ્તાવ પણ પસાર કર્યો હતો.આ પ્રસ્તાવ અક્ષર સહ આ મુજબ છે. ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી, ભારત સરકારના ભૂતપૂર્વ વિદેશ મંત્રી અને રાજ્યના અગ્રણી રાજનેતા માધવસિંહ સોલંકીનું તા.૦૯/૦૧/૨૦૨૦ના રોજ ૯૪ વર્ષની વયે ગાંધીનગર ખાતે થયેલ દુઃખદ અવસાનથી સરકાર ઊંડાખેદની લાગણી અનુભવે છે.

માધવસિંહ મિત્રવર્તુળો અને પુસ્તકોથી હંમેશાં ઘેરાયેલા રહેતા હતા  શંકરસિંહ વાઘેલા

અમદાવાદ, ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીનું ૯૪ વર્ષની વયે નિધન થયું છે. તેઓ કોંગ્રેસના પીઢ નેતા તેમજ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી રહી ચૂક્યા હતા. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ પણ માધવસિંહ સોલંકી વિશે એક નિવેદન આપ્યું છે. શંકરસિંહ વાઘેલાએ પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકી વિશે જણાવ્યું હતું કે, માધવસિંહ સોલંકીએ લગભગ એક સદીનો ઇતિહાસ રચ્યો છે. માધવસિંહ સોલંકીનું નામ ગુજરાતના વિકાસમાં પાયો કહી શકાય તેમ છે. એક જમાનામાં પત્રકાર રહેલા અને વ્યવસાયે ધારાશાસ્ત્રી એવા માધવસિંહ સોલંકી તેમના ઘરની અંદર એક વૈભવી એવી લાઈબ્રેરી ધરાવતા હતા, તેઓ વાંચવાના શોખીન હતા. માધવસિંહ સોલંકી મિત્ર વર્તુળો અને પુસ્તકોથી હમેશા ઘેરાયેલા રહેતા હતા, પરંતુ હવે આપણી વચ્ચે નથી તેનું મને સખત દુઃખ છે. શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, માધવસિંહ સોલંકી આટલી ઉંમરે પર નિયમિત રીતે વહેલી સવારે ઉઠી જતા હતા. એટલુ જ નહિ, નિત્યક્રમ મુજબ તેઓ પોતાના ઘરમાં કામ પણ કરતા હતા. માધવસિંહને વાંચનનો બહુ જ શોખ હતો. માધવસિંહ સોલંકીએ પોતાના જ નિવાસસ્થાનમાં ભોંયરામાં માધવસિંહે લાઈબ્રેરી બનાવી હતી. તેઓ નિયમિત રીતે ત્રણથી ચાર કલાકનું વાંચન કરતા હતા. માધવજીભાઈ વાંચતા હોય ત્યારે એટલા બધા મગ્ન થઈ જતા કે, બાજુમાંથી કોઈ પસાર થાય તો પણ તેમને કંઈ ખબર ન પડે. એક જમાનામાં પત્રકાર રહેલા અને વ્યવસાયે ધારાશાસ્ત્રી એવા માધવસિંહ સોલંકી તા. ૨૪ ડિસેમ્બર, ૧૯૭૬ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા. સુંદર વક્તા, વાત કરવામાં વિચક્ષણ અને વહીવટીતંત્ર પર જબરદસ્ત પકડ ધરાવતા માધવસિંહ સોલંકી ‘ખામ’ થિયરી માટે જાણીતા છે. તેઓ એટલા જ જાણીતા તેમની અબ્રાહમ લિંકન વિષેની જાેક્સના કારણે છે.