ગાંધીનગર, વિધાનસભાની ચૂંટણી નજીક આવતા ભાજપમાં ફરી એક વખત ભરતી મેળાનો આરંભ થઈ ગયો છે. જેમાં આજે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય સહીતના અનેક અગ્રણીઓ અને કાર્યકરોએ કોંગ્રેસનો હાથ છોડીને ભાજપનો કેસરિયો ખેસ પહેર્યો હતો. વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ કોંગ્રેસ તેમજ અન્ય પક્ષના આગેવાનો અને કાર્યકરો પોતાની મહત્વાકાંક્ષાને સંતોષવા માટે સત્તાધારી ભાજપમાં જાેડાવવા માટે ઉમટી રહ્યા છે. આજે ભાજપ પ્રદેશ કાર્યાલય ખાતે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય સહિતના અનેક આગેવાનો અને કાર્યકરોએ ભાજપનો કેસરિયો ખેસ પહેર્યો હતો. કોંગ્રેસના પૂર્વ નેતા અને મહિસાગર લુણાવાડાના બે ટર્મ ચૂંટાયેલા પૂર્વ ધારાસભ્ય હીરાભાઇ પટેલ આજે તેમના સમર્થકો સાથે ભાજપમાં જાેડાયા હતા. આ ઉપરાંત કોંગ્રેસના પૂર્વ પ્રવકતા ભરત દેસાઈ, સોશિયલ મીડિયાના પૂર્વ કન્વીનર રાકેશ ગોસ્વામી, એઆઈસીસીના પૂર્વ ડેલિગેટ પ્રશાંત પરમાર તેમજ કિસાન સેનાના પ્રમુખ ભરત પટેલ સહિત અને આગેવાનો મોટી સંખ્યામાં તેમના સમર્થકો સાથે ભાજપમાં જાેડાયા હતા. આ ઉપરાંત ગાંધીનગર જિલ્લાના માણસાના સામાજિક આગેવાન ક્રિપાલસિંહ ચાવડા, ગીરનારી બાપુ તેમજ ગુજરાત આમ આદમી પાર્ટીના ઇસનપુર વોર્ડ પ્રમુખ ગીરીશ સોની અને સૈજપુર બોઘા વોર્ડના મહિલા પ્રમુખ દર્શનાબેન રાઠોડ મોટી સંખ્યામાં તેમના સમર્થકો સાથે કેસરિયો ખેસ પહેરીને ભાજપમાં જાેડાયા હતા. આ અવસરે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને નેતા હીરાભાઈ પટેલે જણાવ્યું હતું કે, હું કોઈ અપેક્ષાથી ભાજપમાં જાેડાયો નથી. કોંગ્રેસમાં કર્મનિષ્ઠ કાર્યકરોની ઉપેક્ષા થઈ રહી છે. હું ચૂંટણી લડવા માટે ભાજપમાં નથી જાેડાતો. કોંગ્રેસ પર પ્રહાર કરતા પૂર્વ ધારાસભ્ય હીરા પટેલે કહ્યું હતું કે, મહીસાગર જિલ્લામાં કોંગ્રેસ પાર્ટી પોતે જ આપઘાત કરવા માંગતી હોય તો તેને બચાવવા વાળો હું કોણ? કોંગ્રેસ પક્ષ આખો ખાડે ગયો છે. આગામી સમયમાં પાર્ટીમાં સંગઠનમાં કામ કરવાની ઈચ્છા હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

કમલમ ખાતે ભાજપમાં જાેડાવવા આવેલા કોંગ્રેસના કાર્યકરો વચ્ચે મારામારી

કોંગ્રેસનો હાથ છોડીને ભાજપનો કેસરિયો ખેસ પહેરવા માટે પૂર્વ ધારાસભ્ય હીરા ભાઈ પટેલ સહિતના અગ્રણીઓ આજે ભાજપ પ્રદેશ કાર્યાલય ખાતે આવ્યા હતા. આ દરમિયાનમાં મહેસાણાના પણ અનેક આગેવાનો અને કાર્યકરો ભાજપમાં જાેડાવવા માટે આવ્યા હતા. આ દરમિયાનમાં કોંગ્રેસના બે જૂથના કાર્યકરો વચ્ચે કોઈ બાબતે બોલાચાલી થઇ હતી. જેમાં બેથી ત્રણ આગેવાનોએ અન્ય એક કાર્યકર સાથે છૂટા હાથની મારામારી કરી હતી. કોંગ્રેસના પૂર્વ આગેવાનોએ ભાજપમાં જાેડાતા અગાઉ જ પોતાના આક્રમક મિજાજનો પરિચય આપ્યો હતો. જેના કારણે ભાજપના શિસ્ત બદ્ધ આગેવાનો અને કાર્યકરો આ દ્રશ્ય જાેઇને હક્કાબક્કા થઈ ગયા હતા.

૨૩ માર્ચ સુધી સરકાર પાટીદારો સામેના કેસ પરત નહીં લે તો આંદોલનનું હાર્દિકનું અલ્ટીમેટમ

ગાંધીનગર,ગુજરાતમાં પાટીદાર આંદોલન સમયે યુવાનો સામે થયેલા કેસોને પરત ખેંચવા માટે પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ)ના પૂર્વ કન્વીનર અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે નવી રણનીતિ સાથે સરકારને જણાવ્યું છે. જાે આગામી તા. ૨૩ માર્ચ સુધીમાં પાટીદાર યુવાનો સામે થયેલા કેસોને પાછા ખેંચવામાં નહિ આવે તો રાજ્યમાં ફરી વખત પાટીદાર આંદોલન શરૂ થશે તેવી ચીમકી પણ આપી હતી. ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અને ‘પાસ‘ના પૂર્વ કન્વીનર હાર્દિક પટેલે આજે પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં પાટીદાર સમાજને અનામત આપવા અંગે આંદોલન શરુ કરાયું હતું. આ આંદોલનના કારણે રાજ્યના પાટીદાર સહીત અન્ય સમાજના લોકોને પણ ૧૦ ટકા અનામત મળી છે. આ આંદોલન દરમિયાન રાજ્ય સરકાર દ્વારા ૮૦૦૦ જેટલા પાટીદાર સમાજના યુવાનો સામે ૭૫૦ જેટલા કેસો કરવામાં આવ્યા હતા. આંદોલન બાદ ભાજપ સરકારના મુખ્યમંત્રી આનંદીબેન હોય કે વિજયભાઈ કે પછી ભૂપેન્દ્ર ભાઈ હોય આ તમામે સમયાંતરે પાટીદાર યુવાનો સામેના કેસો પરત ખેંચવામાં આવશે તેમ જણાવ્યું હતું. જાે કે હજુ સુધી આ કેસો પરત લેવામાં આવ્યા નથી. હાર્દિક પટેલે વધુમાં જણાવ્યું હતું કે, આ આંદોલન અંગે જેટલા કેસો થયા છે તે સરકાર દ્વારા કરવામાં આવ્યા છે.

પોલીસ વિભાગમાં સરકારના આશિર્વાદ વિના આટલો મોટો ભ્રષ્ટાચાર એકલાથી ન થઈ શકે  હાર્દિક

ગાંધીનગર, રાજકોટ પોલીસ કમિશનર સામેના તોડપાણીના મામલે ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, પોલીસ વિભાગમાં આટલો મોટો ભ્રષ્ટાચાર કોઈ એકલા વ્યક્તિથી થઈ નહિ, આમાં સરકારના આશીર્વાદ હોવા જાેઈએ. આ મામલે તપાસ કરવામાં આવે તો કેટલાક મોટા મોટા નામો સામે આવશે તેમ હાર્દિક પટેલે જણાવ્યું હતું. જાે યોગ્ય રીતે તપાસ કરવામાં આવે તો મુંબઈના પરમવીર સિંહના મામલા જેવા સવાલો અહીં પણ ઉભા થઇ શકે છે. રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સામે થયેલા તોડપાણી અંગેના સવાલમાં ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, રાજકોટ પોલીસ કમિશનર સામેના આરોપોમાં જાે તપાસ કરવામાં આવે તો રૂપિયા એક હજાર કરોડની તોડપાણીનો મામલો સામે આવી શકે છે. આ મામલે હાર્દિક પટેલે વધુમાં જણાવ્યું હતું કે, આટલો મોટો ભ્રષ્ટાચાર પોલીસ વિભાગમાં કોઈ એકલાથી ન થઈ શકે, આમાં સરકારના કોઈને કોઈના આશીર્વાદ છે.