વડોદરા : વડોદરાના આયોજન વર્તુળ હેઠળ આવેલી મુખ્ય વન સંરક્ષક કચેરીમાં મદદનીશ સંરક્ષક તરીકે ફરજ બજાવતા અને હાલમાં નિવૃત્ત થયેલા વર્ગ-૨ના અધિકારી કાસીમ રેશમવાલાએ ફરજ દરમિયાન બેફામ ભ્રષ્ટાચાર આદરીને પોતાની કાયદેસર આવકની સરખામણીમાં ૧.૧૨ કરોડથી વધુની અપ્રમાણસર મિલકતો વસાવી હોવાનો ઘટસ્ફોટ થતાં એસીબી દ્વારા ભ્રષ્ટ નિવૃત્ત કર્મચારી કાસીમ રેશમવાલા વિરુધ્ધ ુગુનો નોંધી તેમની ધરપકડ કરાઈ હતી.  

વડોદરા આયોજન વર્તુળની મુખ્ય વન સંરક્ષકની કચેરીમાં વર્ગ-૨ના અધિકારી તરીકે ફરજ બજાવતા મદદનીશ સંરક્ષક કાસીમ ફાજલભાઈ રેશમવાલા (રહે.અર્શદ કોલોની, સરખેજ, અમદાવાદ) હાલમાં વય નિવૃત જીવન ગાળે છે. તેમની વિરુધ્ધ એસીબી કચેરીને જાગૃત નાગરિક દ્વારા અરજી મળી હતી જેમાં રેશમવાલાએ તેમના કાયદેસરની ફરજના ભાગરૂપે મળતા પગાર-ભથ્થા અને અન્ય કાયદેસરની આવકના પ્રમાણમાં અપ્રમાણીકરીતે ભ્રષ્ટાચાર આદરીને કરોડો રૂપિયાની જમીનો-મિલકતો પોતાના તેમજ પોતાના પરિવારજનોના નામે ખરીદ કર્યા હોવાનો આક્ષેપો કરાયા હતા.

આ અરજીની એસીબી દ્વારા તપાસ હાથ ધરાઈ હતી અને પ્રાથમિક તપાસમાં કાસીમ રેશમવાલા અને તેમના પરીવારના સભ્યોના મિલ્કત સંબંધી દસ્તાવેજી પુરાવા તથા બેંક ખાતાઓ અને વિવિધ સરકારી કચેરીઓમાંથી દસ્તાવેજી માહિતી મેળવવામાં આવી હતી તેમજ તેમના નાણાંકિય વ્યવહારોનું એસીબીના નાણાંકિય સલાહકાર દ્વારા વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. ભ્રષ્ટ સરકારી કર્મચારી-અધિકારીઓની અપ્રમાણસર મિલકતના કેસમાં હાઈકોર્ટ અને સીબીઆઈની ગાઈડલાઈન મુજબ તેમના આવક અને ખર્ચનું ગ્રાફીકલ પ્રેઝન્ટેશન તૈયાર કરવામાં આવ્યું હતું અને તેના આધારે ફોરેન્સીક નાણાંકિય વ્યવહારોનું વિગતવાર વિશ્લેષણ કરાયું હતું.

આ કામગીરી બાદ એવી વિગતો ચોંકાવનારી વિગતો સપાટી પર આવી હતી કે કાસીમ રેશમવાલાએ તેમના ફરજ દરમિયાન આવકના દેખીતા સાધનોમાંથી થયેલી કુલ આવક ૨,૧૪,૩૫,૮૯૯ (બે કરોડ ચૈાદ લાખ પાત્રીસ હજાર આઠસો નવ્વાણુ રૂપિયા)ની સામે કુલ ૩,૨૬,૫૯,૬૪૭ (ત્રણ કરોડ છવ્વીસ લાખ ઓગણસાઈઠ હજાર છસ્સો સુડતાળીસ)નો ખર્ચો કર્યો છે જેથી તેમણે ૧,૧૨,૨૩,૭૪૮ (એક કરોડ બાર લાખ ત્રેવીસ હજાર સાતસો અડતાળીસ રૂપિયા)ની વધુ અપ્રમાણસર મિલકતો વસાવી છે. આ અપ્રમાણસાર મિલકતો તેમના આવકની સરખામણીમાં ૫૫.૬૫ ટકા જેટલી વધુ છે. રેશમવાલા વિરુધ્ધ અરજીની તપાસ કરનાર એસીબીની પીઆઈ પી ડી બારોટે સરકારપક્ષે ફરિયાદી બની ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ નિવૃત્ત અધિકારી કાસીમ રેશમવાલા વિરુધ્ધ એસીબીમાં ફરિયાદ નોંધાવતા કાસીમ રેશમવાલાની ધરપકડ કરાઈ હતી.

માત્ર ૯ વર્ષમાં રૂા. ૩૨.૨૫ લાખ રોકડા બેંકમાં જમા કરાવ્યા

કાસીમ રેશમવાલાનો પગાર બેંકમાં જમા થતો હતો પરંતું તેમ છતાં તેમણે ૧-૪-૦૭થી ૨૯-૨-૧૬ના સમયગાળામાં કુલ ૩૨.૨૫ લાખથી વધુની રોકડ તેમના જુદા જુદા બેંક ખાતામાં જમા કરાવી હતી. આ રોકડ ક્યાંથી આવી તેની પણ તપાસ શરૂ કરાઈ છે. આ ઉપરાંત તેમના દ્વારા રોકડ રકમથી ૮૩.૭૪ લાખની પોતાના અને આશ્રિતોના નામે સ્થાવર-જંગમ મિલકત ખરીદી તેમજ અન્ય ખર્ચાની ચુકવણી કરાઈ હતી. ચેક પિરિયડના સમયગાળા દરમિયાન તેણે બેંક ખાતામાંથી કુલ ૧.૧૦ કરોડથી વધુનો ઉપાડ પણ કર્યો હતો.

અઠવાડિયામાં વધુ ૪ ભ્રષ્ટ સરકારી અધિકારીઓ સામે ગુના નોંધાયા

એસીબી દ્વારા ગત ૭મી તારીખે વડોદરા કોર્પોરેશનના વોર્ડ ઓફિસર મહેશ પરનામી વિરુધ્ધ ૬૯.૯૧ લાખથી વધુની અપ્રમાણસરની મિલકતો વસાવવાનો ગુનો નોંધાતા વર્ષ અદરમિયાન રાજયના ભ્ર્‌ષ્ટ અધિકારીઓ સામે ફરિયાદોનો આંક ૩૦ પર પહોંચ્યો હતો. દરમિયાન આ ફરિયાદના અઠવાડિયામાં આજે ફરી વડોદરાના વધુ એક ભ્રષ્ટ અધિકારી સહિત રાજ્યમાં કુલ ચાર સરકારી અધિકારીઓ વિરુધ્ધ એસીબી દ્વારા ગુનો નોંધાતા રાજ્યમાં ભ્રષ્ટાચારના ફરિયાદોનો કુલ આંક આજે ૩૪ પર પહોંચ્યો છે જયારે તેઓએ વસાવેલી અપ્રમાણસર મિલકતોનો આંક ૪૪.૮૧ કરોડથી વધુને આંબી ગયો છે.