બહુચરાજી :  બહુચરાજી એપીએમસીની ૧૫ બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં બુધવારે વેપારી વિભાગની ૪ અને ખરીદ-વેચાણ વિભાગની એક બેઠકના જાહેર થયેલા પરિણામમાં પાંચે બેઠકો પર પૂર્વ ગૃહ મંત્રી રજની પટેલ પેનલની કારમી હાર થઇ હતી. વર્તમાન ચેરમેન જૂથનો વિજય થતાં ફટાકડા ફોડી વધામણા કરાયા હતા. હવે બાકી રહેલી ખેડૂત વિભાગની ૧૦ બેઠકોની મત ગણતરી હાઇકોર્ટના ચુકાદા બાદ હાથ ધરાશે.બહુચરાજી માર્કેટયાર્ડની ચૂંટણીમાં વર્તમાન ચેરમેન વિઠ્ઠલભાઇ લાટીવાળા સામે પૂર્વ ગૃહમંત્રી રજની પટેલ બંને ભાજપના આગેવાનો સામ સામે હોઇ બંને જૂથોએ પ્રતિષ્ઠા બચાવવા ભારે જહેમત ઉઠાવતાં ૧૫ બેઠકો માટે ૯૭ ટકા મતદાન થયું હતું. બુધવારે સવારે ૯ વાગે માર્કેટયાર્ડ ખાતે જિલ્લા રજિસ્ટ્રાર હિતેશ પટેલની હાજરીમાં વેપારી વિભાગની ૪ બેઠક અને ખરીદ-વેચાણ સંઘની એક બેઠકની મત ગણતરી હાથ ધરાઇ હતી. પરિણામ પર સૌથી વધુ ઉત્સુકતા ભાજપના જ આગેવાનોમાં જોવા મળી હતી. જિલ્લા અને ઉ.ગુ.ના કેટલાક આગેવાનોએ પરિણામની જાણકારી મેળવી હતી.મહેસાણા જિલ્લા રજિસ્ટ્રાર હિતેશ પટેલે જણાવ્યું કે, ખેડૂત વિભાગની ૭ મંડળીનો મામલો હાઇકોર્ટમાં હોઇ ૭૩ મતદારોની મતપેટી અલગથી સીલ કરાઇ છે. આ મતની ગણતરી અંગે ૧લી ઓક્ટોબરે હાઇકોર્ટમાં સુનાવણી છે. જે ચુકાદા બાદ ખેડૂત વિભાગની બાકી ૧૦ બેઠકોની મત ગણતરી કરી પરિણામ જાહેર કરાશે.રજની પટેલના પરિણામ પર મીટ માર્કેટયાર્ડની આ ચૂંટણીમાં પૂર્વ ગૃહમંત્રી રજનીભાઇ પટેલ ખેડૂત વિભાગમાંથી ઉમેદવાર છે. તો વર્તમાન ચેરમેન વિઠ્ઠલભાઇ લાટીવાળા બે વખત ચૂંટણી લડી ચૂક્યા હોઇ સહકારના નવા કાયદા મુજબ તેઓ ચૂંટણી લડી શકે તેમ ન હોઇ તેમની જગ્યાએ તેમનાં પત્ની અનસૂયાબેન વિઠ્ઠલભાઇ પટેલ મેદાનમાં છે. તેઓ પણ ખેડૂત વિભાગમાંથી ચૂંટણી લડી રહ્યાં છે. આથી બંનેના પરિણામ ઉપર સૌની મીટ મંડાઇ છે.