આણંદ-

આણંદના પૂર્વ ધારાસભ્ય, ગુજરાતના પૂર્વ મંત્રી અને મિલસેન્ટના માલિક રોહિતભાઈ પટેલનું આજે દુઃખદ નિધન થયું હતું. તેમનાં નિધનના સમાચાર વાયુવેગે ફેલાતાં ચરોતરમાં દુઃખની લાગણી વ્યાપી ગઈ હતી. છેલ્લાં થોડાં વર્ષોથી લોકોની સેવામાં જ પોતાનું જીવન સમર્પિત કરી દીધું હતું. લોકપ્રતિનિધિ તરીકે તેઓએ લોકોના અનેક પ્રશ્નોને વાચા આપી હતી. સરળ અને મૃદુ સ્વભાવના રોહિતભાઈ કોઈપણ જરૂરિયાત વ્યક્તિને મદદ કરવા પહોંચી જતાં હતાં. ભારત અને આખું વિશ્વ કોવિડ-૧૯ રોગચાળા સામે લડી રહ્યું હતું ત્યારે મિલસેન્ટ ગ્રૂપના અધ્યક્ષ અને ગુજરાત રાજ્યના ભૂતપૂર્વ મંત્રી રોહિતભાઈ પટેલે રૂટ ફાઉન્ડેશનના સહયોગથી આસપાસના ગરીબોની પડખે ઊભાં હતાં. તેઓએ ગરીબ અને જરૂરિયાતમંદ લોકોના તેમનાં ઘરના બારણે એક સમયનો ખોરાક પહોંચાડ્યો હતો. આ ઉમદા પહેલ અંતર્ગત ૨૫ માર્ચ, ૨૦૨૦થી આણંદના દેવરાજપુરા, મોગરી અનુપમ મિશનની સામેના વિસ્તારોમાં રહેતા પરિવારો, સંગોલપુર, છાપરા, રૂપપુરા, રૂપાપુરા જેવાં વિસ્તારોમાં રહેતાં લોકો માટે રાત્રિભોજન આપવાનું ઉમદા કાર્ય કર્યું હતું. આ ઉપરાંત ૧૦૦ ફૂટ રોડ પર, ઇન્દિરા ગાંધી સ્ટેચ્યૂ નજીક, રોયલ પ્લાઝાની સામે, ટીબી હોસ્પિટલની પાછળ, એકતાનગરની ઝૂંપડપટ્ટી અને જવાહરનગર, રામપુરા વિસ્તાર, હાડગુડ-વડોદ વિસ્તારમાં પણ જરૂરિયાતમંદોને ભોજન સહિતની મદદ કરી હતી. લોકો બહાર નીકળતાં ડરતાં હતાં તેવાં સમયે રોહિતભાઈ પટેલે આણંદથી પરપ્રાંતિયને લઈને જતી દરેક ટ્રેનમાં મુસાફરોને ફૂડ પેકેટ વહેંચવા ખુદ હાજર રહેતાં હતાં.