વડોદરા : પોલીસતંત્રમાં નવા નવા ભરતી થયેલા એલઆરડી જવાનો અને પ્રોબેશનલ પીએસઆઈ દ્વારા હંમેશાં સામાન્ય માણસો પ્રત્યે ઉદ્ધતાઈપૂર્વક વર્તન થતું હોય છે. પછી એ માસ્ક વગરના દંડની બાબત હોય કે અન્ય નવા ભરતી થયેલાઓ, મહિલાઓ, બાળકો, વૃદ્ધો સાથે પણ અસભ્ય વર્તન કરી હાથ ઉગામતા હોવાના અનેક બનાવો બન્યા છે. ત્યારે માજી સાંસદને ગઈકાલે મારેલા મારને લઈને કોંગ્રેસ અગ્રણીઓ અને મહિલાઓ સહિત અન્ય કાર્યકરોએ પોલીસ ભવન પહોંચી હલ્લાબોલ કર્યા બાદ આવેદનપત્ર આપ્યું હતું. માસ્ક યોગ્ય રીતે ન પહેરનાર બહેનને અટકાવી દંડ માગતાં પૈસા આપવા પહોંચેલા કોંગ્રેસના પૂર્વ સાંસદ સત્યજિતસિંહ ગાયકવાડને નવાપુરા પોલીસ મથકના પીએસઆઈ પટેલે બે લાફા ઝીંકીને પતાવી દેવાની ધમકી આપી હતી, જેને લઈને વડોદરા શહેર કોંગ્રેસ અગ્રણીઓએ પોલીસ કમિશનરને આવેદનપત્ર આપ્યું હતું. 

જેમાં નવાપુરા પોલીસ સ્ટેશનના પીએસઆઈ ડી.એસ.પટેલ અને સ્ટાફ દ્વારા પૂર્વ સાંસદ સત્યજિત ગાયકવાડ સાથે કરવામાં આવેલા ઉદ્ધતાભર્યા વર્તન અંગે જવાબદારોને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાની માગણી કરવામાં આવી હતી. કોંગ્રેસના કાર્યકરો દ્વારા પોલીસ ભવન ખાતે બેસી જઈને પોલીસ તંત્રની કામગીરી વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા. કાર્યકરોએ એવી પણ માગણી કરી હતી કે આવા પોલીસ કર્મચારીઓની માનસિક સારવાર કરાવવામાં આવે તે પછી જ તેઓને ફરજ સોંપવામાં આવે. પોલીસ કમિશનર આર.બી.બ્રહ્મભટ્ટે આ મામલે એસીપી એ.વી.રાજગોરને તપાસ સોંપી છે.

વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલે જણાવ્યું હતું કે, કોરોનાની મહામારીને નાથવા માટે અને પ્રસરતો અટકાવવા માટે માસ્ક જરૂરી છે પરંતુ પોલીસ તંત્ર દ્વારા ચેકિંગના નામે પ્રજાના ખિસ્સામાંથી નાણાં ઉઘરાવવાનો વ્યવસાય બનાવી દેવામાં આવ્યો છે. શહેર પોલીસ ટાર્ગેટ લઈને માસ્ક ચેકિંગ કરતું હોય છે અને દંડની વસૂલાત કરે છે. અત્યાર સુધીમાં પોલીસતંત્ર દ્વારા એક કરોડથી વધારે દંડ વસૂલ્યો છે. પોલીસ દ્વારા માસ્ક ચેકિંગના નામે આડેધડ થતી કામગીરી બંધ કરવા માગણી કરી છે અને આવનારા દિવસોમાં પણ પોલીસતંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો નાછૂટકે કોંગ્રેસને આંદોલન કરવાની ફરજ પડશે.

પૂર્વ સાંસદ સત્યજિતસિંહ ગાયકવાડે જણાવ્યું હતું કે, મારી બહેનના માસ્કને લઈને અટકાયત કરી હતી, જ્યાં પીએસઆઈ ડી.એસ.પટેલે મારી પર હુમલો કર્યો હતો. મને કાન પર વાગ્યું હતું જેથી મને અવાજ સંભળાતો પણ ઓછો થઈ ગયો છે. ત્યાર બાદ હું ઘરે પહોંચ્યો ત્યારે પીએસઆઈ ૧૦થી ૧પ પોલીસ જવાનોને લઈને મારા ઘરમાં ઘૂસી આવ્યા હતા અને મને ધમકી આપી હતી કે તારા ઉપર કેસ કરીશ, તને વોન્ટેડ જાહેર કરીશ અને તને પતાવી દઈશ... આવા પીએસઆઈને સસ્પેન્ડ ન કરે તો પોલીસ વિભાગ પર લાંછન છે. પોલીસ કમિશનરને વિનંતી કરી છે કે આવા માનસિક સંતુલના ગુમાવનાર પીએસઆઈને સસ્પેન્ડ કરવા માગ કરી હતી.

પૂર્વ સાંસદ સત્યજિતસિંહ ગાયકવાડના બહેન બુધવારે મોડી સાંજે ડ્રાઈવર સાથે કારમાં નીકળ્યાં હતાં. ત્યારે બગીખાના ત્રણ રસ્તા પાસે તેમનું માસ્ક નાક નીચે હોવાથી અટકાવી પોલીસે રૂા.૧૦૦૦નો દંડ ભરવો પડશે તેવી જાણ કરી હતી. જાે કે, તેઓ પર્સ લીધા વગર નીકળ્યા હોવાથી ભાઈ સત્યજિતસિંહનો મોબાઈલ પર સંપર્ક કરી રૂા.૧૦૦૦ લઈ બગીખાના ત્રણ રસ્તા આવવા જાણ કરી હતી. સત્યજિતસિંહ ગાયકવાડ પૈસા લઈને બગીખાના ત્રણ રસ્તા પાસે પહોંચ્યા હતા આ સમયે પોલીસે પાવતી પૂરી થઈ હોવાથી નવાપુરા પોલીસ સ્ટેશન આવવા સૂચના આપી હતી, જેનો વિરોધ કરતા પીએસઆઈ પટેલે ઉદ્ધતાઈભર્યું વર્તન કરી સત્યજિતસિંહ ગાયકવાડને બે લાફા ઝીંકી દીધા હતા. વડોદરાના પૂર્વ સાંસદ પોલીસની તુમાખી જાેઈ સમસમી ગયા હતા. માસ્ક માટે પોલીસને દંડ આપવાની તૈયારી હોવા છતાં પોલીસે કડકાઈ બતાવી હતી અને એક તબક્કે માજી સાંસદના ઘરે પણ જઈને કેસ કરીને વોન્ટેડ બતાવવાની અને પતાવી દેવાની ધમકી આપી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા.

અગાઉ પણ શહેરમાં માસ્ક યોગ્ય રીતે નહીં પહેરવા બદલ વાહનચાલકો અને રાહદારીઓ સાથે ઘર્ષણના અનેક બનાવો બન્યા છે જેમાં પોલીસ પાસે ફરિયાદ નોંધવાની સત્તા હોવાથી ફરજમાં રૂકાવટ કે હુમલાના બનાવમાં ખપાવી નાગરિકો સામે ગુના નોંધાય છે જેને લઈને શહેરીજનોમાં છૂપો રોષ તો છે જ ત્યારે હવે આ બનાવને લઈને પીએસઆઈ સામે શું કાર્યવાહી થાય છે એ જાેવું રહ્યું!

નવાપુરા પીએસઆઈ સાથેની ઝપાઝપીમાં ઈજાગ્રસ્ત માજી સાંસદ એસએસજીમાં સારવાર માટે આવી પહોંચ્યા 

વડોદરા

શહેરના બગીખાના ચિત્રકૂટ બંગ્લોઝમાં રહેતા કોંગ્રેસના પૂર્વ સાંસદ સત્યજિતસિંહ ગાયકવાડની બહેનને વ્યવસ્થિત માસ્ક ન પહેરવા બદલ નવાપુરા પોલીસ મથકના પીએસઆઈ ડેનિલ પટેલે રોકયા હતા. જાે કે, ગાયકવાડના બહેન પાસે પર્સ ન હોવાથી ઘરેથી દંડના પૈસા મંગાવ્યા હતા. જેથી સત્યજિતસિંહ ગાયકવાડ દંડના રૂપિયા લઈને આવી પહોંચ્યા હતા, જ્યાં પીએસઆઈએ દંડ ભરવા માટે રકઝક કરતાં બંને વચ્ચે ચકમક ઝરી હતી. જેમાં પીએસઆઈ પટેલે પૂર્વ સાંસદ સત્યજિતસિંહ ગાયકવાડને લાફા ઝીંકી દીધા હતા અને છાતીના ભાગે માર માર્યો હતો. તેમને કાનમાં અને છાતીમાં દુઃખાવાની તકલીફ થતાં તેઓ સારવાર માટે મોડી રાત્રે સયાજી હોસ્પિટલ ખાતે તેમના મિત્રો સાથે આવી પહોંચ્યા હતા, જ્યાં તેમને નવાપુરા પોલીસ મથકના પીએસઆઈએ માર માર્યો હોવાનું જણાવતાં તબીબોએ કાયદેસરની કાર્યવાહી સાથે સારવાર હાથ ધરી હતી.

નીચે મુજબની માગણી કરીને મુદ્‌ાઓ જણાવ્યા

• સ્થળ પર મહિલા પોલીસ કર્મચારીઓ ન હોવા છતાં પુરુષ પોલીસ કર્મચારીઓ દ્વારા મહિલાઓને દંડ કરવામાં આવ્યો અને તેમની સાથે ખરાબ વર્તન કરી અસભ્ય ભાષાનો પ્રયોગ કર્યો.

• સ્થળ પર હાજર અધિકારીઓ દ્વારા કોઈપણ પ્રકારનો પોલીસ યુનિફોર્મ પહેર્યો ન હોવા છતાં ત્યાં દંડ ઉઘરાવતા હતા તે અયોગ્ય છે અને આવા જ કોઈપણ ચાર લોકો કોઈ પાવતી બુક લઈને ઊભા રહે તો તેનું શું? પોલીસ સમજવા કે નહીં?

• માસ્ક ન પહેર્યું હોય અને તેના દંડ આપવામાં વિરોધાભાષી મત હોય તો શું પોલીસને સ્થળ પર લાફા અને મુક્કા મારવાનો અધિકાર આપેલો છે?

• પૂર્વ સાંસદ જાેડે જાે પોલીસ આવું ખરાબ વર્તન કરતી હોય તો જાહેર જનતા તો ભગવાન ભરોસે જ છે તેવું માનવું પડે. આ મુદ્‌ાઓ ઉપર ભાર મૂકી પીએસઆઈ પટેલ સામે કાયદેસરની કાર્યવાહી કરવા માગ કરી છે.

માજી સાંસદ પર હુમલાની એસીપીને તપાસ સોંપાઈ 

માજી સાસંદ સત્યજીત ગાયકવાડ પર પીએસઆઈ ડી એસ પટેલે કરેલા હુમલાના બનાવના ઉગ્ર રાજકિય પડઘા પડતા શહેર પોલીસ કમિશ્નરે આ સમગ્ર બનાવની ડી ડિવિઝનના એસીપી એ વી રાજગોરને તપાસ કરી તેનો રિપોર્ટ સુપ્રત કરવાનો આદેશ કર્યો છે. આ અંગે એસીપી રાજગોરે જણાવ્યું હતું કે આજે મને ઉક્ત બનાવની તપાસ સોંપાઈ છે અને તેની તપાસ પણ શરૂ કરી છે. મને માધ્યમો મારફત ઉક્ત ઘટનાના સીસીટીવી કેમેરેના કેટલાક ફુટેજ મળ્યા છે પરંતું તે ઘણા દુરના અંતરના અને અસ્પષ્ટ છે. આવતીકાલથી આ બનાવમાં ફરીયાદી અને આક્ષેપિત તેમજ અન્ય સાક્ષીઓની પુછપરછની તજવીજ હાથ ધરાશે. આમ તો તપાસનો રિપોર્ટ આપવાની પાંચ દિવસની મર્યાદા હોય છે પરંતુ આ કેસમાં શક્ય તેટલી જલદી તટસ્થ તપાસ કરી તેનો પોલીસ કમિશ્રરને રિપોર્ટ સોંપવામાં આવશે.