મહેસાણા-

વિસનગરમાં 100 વર્ષ કરતા પણ જુના સિનિયર સિટિઝન ક્લબમાં ભાજપના પૂર્વ સાંસદ પરેશ રાવલનો નાનો ભાઈ હિમાંશુ રાવલ અને ફોઈનો દીકરો બહારથી લોકોને બોલાવીને જુગાર રમાડતા હોવાની પોલીસને બાતમી મળી હતી.

જેના આધારે સ્થાનિક પોલીસને ઉંઘતી રાખી જિલ્લાની અન્ય બે પોલીસ એજન્સીઓ દ્વારા મધરાતે ધમધમતા જુગારધામ ઉપર રેડ કરી હતી. જેમા જુગારધામ ચલાવતા પરેશ રાવલના સગા નાના ભાઇ અને ફોઇનો દિકરો સહિત 20 શખ્સને ઝડપી પાડ્યા હતા.પોલીસે 6.33 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

મહેસાણા પેરોલ ફ્લો સ્કોડના પીએસઆઈ એસ.બી. ઝાલા વિગેરે મોડી રાત્રે એલસીબી કચેરીએ હાજર હતા ત્યારે બાતમી મળી હતી કે રાવલ કિર્તી રમેણીકેલાલ તથા રાવલ હિમાંશુ ડાહ્યાલાલ બન્ને વિસનગરમાં કૃષ્ણ સિનેમા પાસે આવેલા મથુરદાસ ક્લબ નામની સંસ્થામાં બહારથી જુગારીયા બોલાવી પૈસા પાનાથી જુગાર રમાડે છે. જિલ્લા પોલીસ અધિક્ષક પાસેથી જુગારની રેડનું વોરંટ મેળવી જિલ્લા પોલીસની આ બન્ને એજન્સીઓએ ક્લબમાં રાત્રે 1.30 કલાકે રેડ કરી હતી.

અંદર તપાસ કરતાં પૈસા પાનાથી જુગાર રમતા હતા અને પોલીસે જુગારધામ ચલાવતા પરેશ રાવલના નાના ભાઇ રાવલ હિમાંશુ ડાહ્યાલાલ હરગોવનદાસ સહિત 20 શખ્સોને ઝડપી લીધા હતા. પોલીસે જુગાર ધામ પરથી 1.94 લાખની રોકડ, 16 મોબાઇલ ત્રણ વાહનો તથા મોબાઈલ સહિત કુલ રૂા. 6,33,540ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી 20 જુગારીયા સામે કાર્યવાહી કરી છે.