અંબાજી ,તા.૨૨ 

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વાધ્યક્ષ અને અગ્રણી નેતા ભરતસિંહ સોલંકીને કોરોના પોઝિટિવ આવતા અનેક નેતાઓ અને કાર્યકર્તાઓ ભારે મુંઝવણમાં મુકાયા છે. તાજેતરમાં જ રાજ્યસભાની ચૂંટણીમાં અનેક નેતાઓ ભરતસિંહ સોલંકી સાથે સંકળાયેલા જોવા મળ્યા હતા. રાજયસભાની ચૂંટણી પહેલા ભરતસિંહ સોલંકી ૧૫ જૂને યાત્રાધામ અંબાજી ખાતે પણ પહોંચ્યા હતા. જ્યાં અંબાજી મંદિરે પહોંચતા તેમનું ટેમ્પરેચર થર્મલ ગનથી તપાસવામાં આવ્યું હતું. જેમાં સામાન્ય કરતા ટેમ્પરેચર વધુ આવતા ટેમ્પરેચર માપનાર રમીલાબેન ધોતિયાએ ભરતસિંહ સોલંકીને એક બાજુ બેસવા જણાવ્યું હતું, પણ દર્શન કરવાની ઉતાવળમાં રમીલાબેન ધોતિયાની વાતને અવગણી ભરતસિંહ સોલંકી દાંતાના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી તેમજ અન્ય ધારાસભ્યો અને કાર્યકર્તાઓ સાથે માતાજીના દર્શને મંદિરમાં પહોંચ્યા હતા. જે પરિસ્થિતિ બતાવે છે કે ભરતસિંહ સોલંકી રાજસભાની ચૂંટણી પહેલા જ અસ્વસ્થ હતા પરંતુ તેમને પોતાની સ્વાસ્થ્યની ચિંતા કર્યા વગર રાજયસભાની ચૂંટણી પૂર્ણ કરી હતી. છેવટે તેમનામાં કોરોનાના લક્ષણ જણાતા તેમના સેમ્પલ લેવાયા હતા. જે પોઝિટિવ આવતા હાલ ભરતસિંહ સોલંકીને વડોદરાની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે તેમની સાથે સતત હાજર રહેતા શક્તિસિંહ ગોહિલ હાલ હોમકોરેન્ટાઇન થયા છે.હવે જોવું એ રહ્યું કે છેલ્લા ૧૦થી ૧૨ દિવસમાં ભરતસિંહ સોલંકીના સંપર્કમાં કયા કયા નેતા અને કયા કાર્યકર્તા રહ્યા છે તેમાંથી કેટલા હોમ કોરેન્ટાઇન થશે તે હજી એક તપાસનો વિષય બન્યો છે. ભરતસિંહ સોલંકી અંબાજી દર્શનાર્થે આવ્યા ત્યારે તેમના સંપર્કમાં કોણ આવ્યું તે જોવું રહ્યું. અંબાજી નજીકના રિસોર્ટમાં કેટલા ધારાસભ્યોને મળ્યા તે હવે તપાસનો વિષય બની રહ્યો છે.અંબાજી દર્શને આવેલા ત્યારે જે કાર્યકર્તાઓ ભરતસિંહ સોલંકીના સંપર્ક માં આવ્યા હતા તેઓ પણ મુંઝવણ અનુભવી રહ્યા છે.