રાજકોટ-

રાજકોટ શહેરના પૂર્વ કોર્પોરેટર ચારુબેન ચૌધરીનું કોરોનાના કારણે મોત થયું છે. તેમની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલતી હતી. તેઓ ૨૦૦૫થી ૨૦૧૦ વોર્ડ નં.૧થી ભાજપના કોર્પોરેટર રહ્યા હતા. તેમના મોતથી ભાજપમાં શોકનું મોજું ફરી વળ્યું છે. જ્યારે ૪ જૈન સાધ્વીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કોરોનાના કારણે છેલ્લા ૨૪ કલાકમાં ૧૬ દર્દીઓના મોત થયા છે. કોરોનાના કારણે મૃત્યુઆંકમાં આંશિક ઘટાડો થઈ રહ્યો છે. ગઈકાલે ૧૭ પૈકીના ૨ દર્દીના મોત કોવિડ-૧૯ના કારણે થયા હોવાનો ડેથ ઓડિટ કમિટીનો રિપોર્ટ છે.

રાજકોટ શહેરમાં અત્યાર સુધીમાં ૫૪૪૩ લોકો કોરોનાની ઝપટે ચડી ગયા છે તેમાંથી ૯૮૯ દર્દી હજુ સારવાર હેઠળ છે. બુધવારે શહેરમાં નવા ૯૭ કેસ પોઝિટિવ આવ્યા હતા તેની સામે ૧૦૯ દર્દીને રજા આપવામાં આવી છે. રાજકોટ શહેરી વિસ્તારમાં અત્યાર સુધીમાં ૯૨ દર્દીના સારવાર દરમિયાન મોત થયા છે. જ્યારે ૪૧૭૨ દર્દી સાજા થઇ ઘરે પરત ફર્યા છે. રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં ૪૬૮ એક્ટિવ કેસ સારવાર હેઠળ છે. મનપા દ્વારા રાજકોટને કોરોનામુક્ત બનાવવા માટેની ઝુંબેશ ચાલી રહી છે. રાજકોટ શહેરમાં કોરોના સંક્રમણ તોડવા મનપા દ્વારા ઘરે ઘરે જઈને સેવા આપવામાં આવે છે.