ફ્લોરિડા-

અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હવે રાજકારણથી દૂર રહ્યા બાદ બોક્સિંગ રિંગમાં પ્રવેશવા માટે તૈયાર છે. જોકે ટ્રમ્પ રિંગમાં લડશે નહીં, પરંતુ તેઓ બોક્સિંગમાં જોડાવા જઈ રહ્યા છે, જ્યાં તેઓ કોમેન્ટ્રી કરતા જોવા મળશે. ટ્રમ્પ બોક્સિંગમાં એક પ્રદર્શન મેચમાં કોમેન્ટ્રી કરશે, જેમાં ભૂતપૂર્વ હેવીવેઇટ ચેમ્પિયન ઇવાન્ડર હોલીફિલ્ડ પણ ભાગ લેશે.

ટ્રમ્પ સાથે તેમના પુત્ર ડોનાલ્ડ જુનિયર પણ હશે. હોલીવુડમાં યોજાનારી આ મેચની ફીડ એફઆઈટીઆઈ ડોટ ટીવી પર ઉપલબ્ધ થશે. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિએ નિવેદનમાં કહ્યું, 'મને મહાન ફાઈટર અને મુકાબલા ગમે છે. આ વખતે હું શનિવારે રાત્રે આવી જ એક મેચનો ભાગ બનીશ અને મારા મંતવ્યો પણ શેર કરીશ. તમે તેને ચૂકી જવા માંગતા નથી. '

અગાઉ આ મેચ લોસ એન્જલસમાં યોજાવાની હતી, જેમાં ઓસ્કર ડે લા હોયાનો સામનો વિટોર બેલફોર્ટ સાથે થવાનો હતો. ડે લા હોયા કોરોનાથી સંક્રમિત હોવાને કારણે હોલીફિલ્ડને છેલ્લા પ્રસંગે સમાવવામાં આવ્યો હતો. હોલીફિલ્ડની ઉંમરને જોતા કેલિફોર્નિયા સ્ટેટ એથ્લેટિક કમિશને પરવાનગી નકારી દીધી, જેના કારણે હવે ફ્લોરિડામાં મેચ રમાઈ રહી છે. હોલીફીલ્ડ આવતા મહિને ૫૯ વર્ષનો થશે અને ૨૦૧૧ થી રિંગમાં નથી.