વડોદરા : સમા-સાવલીરોડ પર આવેલા ફિલીંગ સ્પા મસાજમાં ઘુસી જઇને મસાજ પાર્લરની કર્મચારી યુવતીઓને તમે ખોટા ધંધા કરો છો તેમ કહીને ધાક-ધમકી આપી તેમજ પાર્લરની સંચાલક મહિલાને બદનામ કરવાની ધમકી આપીની ૨ લાખની ખંડણીની માંગણી કરનાર તેમજ સ્પામાંથી રોકડા ૧૭ હજારની લુંટ ચલાવનાર લુખ્ખા તત્વોની ટોળકીના છ પૈકીના ચાર બોગસ પત્રકારોને સમા પોલીસે ઝડપી પાડયા હતા.

 મકરપુરા વિસ્તારના લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેતા રીતુબેન પંડિત હાલમાં સમા-સાવલી રોડ પર આવેલા ફીલિંગ સ્પા મસાજમાં મેનેજર તરીકે ફરજ બજાવે છે તેમના મસાજના માલિક કુંજવતીબેન નાગર હાલમાં સુરતમાં રહે છે. ગત ૧૨મી તારીખના બપોરે તેમના સ્પામાં ચાર યુવકો ઘુસી આવ્યા હતા અને તેઓએ પાર્લરને અંદરથી બંધ કરી કર્મચારી યુવતીઓને ‘તમે ખોટા ધંધા કરો છા’ે તેમ કહી પત્રકાર તરીકે ઓળખ આપી હતી અને સુરતમાં રહેતા મસાજ પાર્લરના માલિકને ફોન ધમકી આપી હતી કે તમારા સ્પામાં આ છોકરીઓ ખોટા કામ કરે છે અમે આ બધું પ્રેસમાં છાપીશું અને તેમ ન કરવુ હોય તો અમને બે લાખ આપો. આ ઉપરાંત તેઓએ પાર્લરમાં આવેલા એક ગ્રાહકને પણ બદનામ કરવાની ધમકી આપી તેની પાસે એક લાખની માગણી કરી હતી. જાેકે સ્પાના માલિકે ખંડણી આપવાની ના પાડતા બોગસ પત્રકારોએ કાઉન્ટર પાસે મુકેલા પર્સમાંથી રોકડા ૧૭ હજારની લૂંટ કરી હતી અને ત્યારબાદ બીજાદિવસે પણ કર્મચારી યુવતીઓને ફોન પર ધમકી આપી હતી. આ બનાવની સમા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા જ પોલીસે તુરંત તપાસ કરી હતી અને સ્પામાં આવીને ખંડણી માંગનાર સન્ની કિશોર શિંદે (દુર્ગેશ્વર સોસાયટી, તરસાલી), કેયુર જયંતિ બારોટ (ક્રિષ્ણાપાર્ક,આજવારોડ), મોહંમદસિદ્દીક મોહંમદહનિફ મન્સુરી (ચુડીવાલા ગલી, યાકુતપુરા) અને દેવાંગ ગીરીશ ભાટિયા (વાડી, રંગમહાલ)ને ઝડપી પાડ્યા હતા અને તેઓની પાસેથી ‘વિસ્ફોટ, જીએનએ અને ગુજરાત ન્યુઝ’ સાપ્તાહિક અને પાક્ષિકના ફોટા સહિતના આઈકાર્ડ કબજે કર્યા હતા. આ ખંડણી-લુંટના ગુનામાં સામેલ રાકેશ રાજેશ પટેલ (શ્રીજીધામ એપાર્ટમેન્ટ, વાઘોડિયારોડ)ની પણ પોલીસે અટકાયત કરી હતી જેમાં તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેને સયાજી હોસ્પિટલમાં દાખલ કરાયો છે જયારે તેઓના સાગરીત પાણીગેટમાં રહેતો આકાશ કહાર જે એન.એન.ન્યુઝ ચેનલ સાથે સંકળાયેલો છે તેને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે.

ખંડણીખોર ટોળકીએ અનેક લોકોને છેતર્યા છે

પત્રકારત્વના પવિત્ર વ્યવસાયને લાંછન લગાડી તેમજ પ્રેસ-મિડિયાના ઓથાહેઠળ ધાકધમકી આપી ખંડણી ઉઘરાવી તેમજ લુંટ કરવાના ગુનામાં સંડોવાયેલી ટોળકીનો લાંબા સમયથી આંતક છે અને તેઓ શહેર ઉપરાંત હાઈવે પર અને જિલ્લામાં પણ વાહનચાલકો, બુટલેગરો અને દુકાનદારોને ધમકી આપીને લાખો રૂપિયાનો તોડ કર્યો હોવાનું ચર્ચાય છે. આ લુખ્ખા તત્વોના સાપ્તાહિક અને પાક્ષિકનું લાયસન્સ રદ કરવામાં આવે તેવી પણ જાણકારોની માગણી છે.