વડોદરા -

અંદાજે ચાર દિવસ અગાઉ વાઘોડિયા રોડ સ્થિત પરિવાર ચાર રસ્તા પાસેથી પસાર થઇ રહેલી એક મહિલાના ગળામાંથી બાઈક પર આવેલ એક ગઠિયો બે તોલા ઉપરાંતની સોનાની ચેઇન તફડાવીને ફરાર થઇ ગયો હતો. ક્રાઇમ બ્રાન્ચની એન્ટી ચેઇન સ્નેચિંગ સ્ક્વોડ દ્વારા આ ગુનો આચરનાર ગાંઠિયાને આજે સરદાર એસ્ટેટ પાસેથી ઝડપી પાડવામાં આવ્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર, ચાર દિવસ અગાઉ એક મહિલા પરિવાર ચાર રસ્તા પાસેથી જઈ રહી હતી. તે સમયે બાઈક પર પુરઝડપે આવેલો એક ઈસમ તેમના ગળામાં પહેરેલી બે તોલાથી વધુ રકમની સોનાની ચેઇન તફડાવીને ફરાર થઇ ગયો હતો. આજે બપોરના સમયે ક્રાઇમ બ્રાન્ચની એન્ટી ચેઇન સ્નેચિંગ સ્ક્વોડને આ ગુનામાં સંડોવાયેલો આરોપી સરદાર એસ્ટેટ સુપર બેકરી પાસે બાઈક લઈને ઉભો હોવાની બાતમી મળતા તેને પકડી પાડ્યો હતો. નામઠામ પૂછતાં પોતે દિપક યશવંતભાઈ તબલાવાલા(રહે.વિશ્વભારતી સોસાયટી, નાલંદા પાણીની ટાંકી સામે) હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેની પાસેથી એક મોટરસાઇકલ અને સોનાની ચેઇન મળીને કુલ ૮૮,૫૮૦નો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.