રાજકોટ

સૌરાષ્ટ્રમાં હળવાથી ભારે વરસાદની આગાહી વચ્ચે મંગળવારના રોજ બપોરના સમયે રાજકોટ શહેરમાં વરસાદી ઝાપટું પડ્યું હતું. જેમાં અડધો કલાકમાં અડધો ઇંચ વરસાદ નોંધાઈ ચૂક્યો હતો. આથી રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યાં હતા અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. બીજી તરફ વીરપુર, ગોંડલ અને ઉપલેટા પંથકમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસતા વિઝીબિલિટી ઘટતા વાહનોએ હેડ લાઇટ શરૂ કરવાની ફરજ પડી હતી. ધોરાજી પંથકમાં આજે મેઘરાજા વરસી પડ્યા હતા અને ૪ ઇંચ વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. આટકોટમાં ૧૫ મિનીટમાં એક ઇંચ વરસાદ પડ્યો હતો. ધોધમાર વરસાદથી ખેડૂતોમાં ખુશીની લાગણી જાેવા મળી હતી. આજુબાજુના ગામડાઓમાં પણ સારા વરસાદના સમાચાર મળી રહ્યાં છે. ધોધમાર વરસાદથી રસ્તાઓ પાણી પાણી થઇ ગયા હતા. રાજકોટ શહેરમાં આજે સવારથી આકરો તાપી વરસતો રહ્યો હતો. જાે કે બપોરના ૧૨ વાગ્યા બાદ અચાનક વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો અને રાજકોટમાં ૧૨ મીમીથી વધારે વરસાદ વરસી ગયો હતો. ધોધમાર ઝાપટાથી મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યા હતા. જેમાં રાજકોટ શહેરના યાજ્ઞિક રોડ, રેસકોર્સ રીંગ રોડ, ૧૫૦ ફૂટ રીંગ રોડ, જામનગર રોડ, બજરંગવાડી, એરપોર્ટ રોડ, ગાંધીગ્રામ સહિતના વિસ્તારનો સમાવેશ થાય છે. ગત સપ્તાહ દરમિયાન રાજકોટ અને આસપાસના વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો હતો જેના કારણે જીવાદોરી સમાન આજી અને ન્યારી ડેમ છલોછલ થયા છે. જયારે ગ્રામ્ય વિસ્તારને પાણી પૂરું પાડતો ભાદર ડેમ ઓવરફ્લો થવામાં માત્ર દોઢ ફૂટ બાકી છે અને હજુ પણ એક સપ્તાહ મધ્યમથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.