વડોદરા, તા.૧૪

શહેરમાં યુવાધનના માદકદ્રવ્યના રવાડે ચઢાવી બરબાદ કરતા તત્વોને શોધી કાઢવા માટે શહેર પોલીસ દ્વારા શરૂ કરાયેલા મિશન ક્લીન વડોદરા ઝુંબેશને વધુ એક વખત સફળતા મળી છે. એસઓજીની ટીમે બાતમીના આધારે હાઈવે પર વોચ ગોઠવીને બિચ્છુ ગેંગના કુખ્યાત તનવીર ઉર્ફ તન્નુ તેમજ મુંબઈની એક યુવાન પરિણિતા સહિત કારમાં મોંઘાદાટ એમડી ડ્રગ્સ લઈને વડોદરા આવતા રંગે હાથ ઝડપી પાડ્યા હતા. પોલીસે ડ્રગ્સ સહિત કુલ ૧૨ લાખથી વધુની મત્તા જપ્ત કરી આરોપીઓના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

શહેરમાં અનેક ગુનામાં સંડોવાયેલો કુખ્યાત બિચ્છુ ગેંગનો સાગરીત તનવીર ઉર્ફ તન્નુએ માદકદ્રવ્યનો વેપલો શરૂ કર્યો હોવાનો તેમજ તે પરપ્રાંતથી માદકદ્રવ્યની ખેંપ મારી કારમાં વડોદરા આવી રહ્યો છે તેવી એસઓજી પોલીસના એએસઆઈ હેમંત તુકારામના બાતમી મળી હતી.

આ બાતમીના પગલે એસઓજી પીઆઈ સી.બી.ટંડેલ અને પીઆઈ આર એ પટેલ સહિતના સ્ટાફે હાઈવે પર ગોલ્ડન ટોલનાકા પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમી મુજબની કાર ત્યાંથી પસાર થતાં જ એસઓજની ટીમે ઉક્ત કારનો પીછો કરીને તેને કોર્ડન કરીને ઝડપી પાડી હતી. કારમાં બેઠેલા તનવીરહુસેન ઉર્ફ તન્નુ શબ્બીરહુસેન મલેક (મુતૃજાપાર્ક, તાંદલજા), પાર્થ ઉર્ફ સરદાર પ્રદીપ શર્મા (વુડ્‌સકેપ વિલા,બીલચાપડ રોડ), શેહબાઝ મુસ્તુફા પટેલ (ગફારપાર્ક, કોઠિયાપુરા, તાંદલજા) અને મધુમિતા ઉર્ફ અનામિકા રોહિત સીંગ (દત્તાત્રેય એપાર્ટમેન્ટ,થાણે,મુંબઈ)ની તપાસ કરતા તેઓની પાસેથી ૮,૧૦,૪૦૦ની કિંમતનું ૮૧.૦૪૦ ગ્રામ મેફેડ્રોન જે એમડી તરીકે જાણીતું છે તે મળી આવ્યું હતું.

પોલીસે ચારેય પાસેથી માદકદ્રવ્યનો જથ્થો તેમજ મારુતી સ્વીફ્ટ ડિઝાયર કાર અને ૬ મોબાઈલ ફોન સહિત કુલ ૧૨,૦૮,૭૦૦ની મત્તા કબજે કરી હતી. પોલીસની પ્રાથમિક પુછપરછમાં તેઓએ આ એમડી ડ્રગ્સ મધ્યપ્રદેશ ખાતે ઉજ્જૈન-ઈન્દોર હાઈવે વચ્ચે આવેલી શીતલ હોટલ પાસેથી રતલામના ડ્રગ્સ સપ્લાયર લાલુ પાસેથી ખરીદયો હોવાની વિગતો સપાટી પર આવતા પોલીસે લાલુને વોન્ટેડ જાહેર કર્યો હતો.

પોલીસને ગેરમાર્ગે દોરવા પેડલર પાર્થે તેની ફ્રેન્ડને સાથે રાખી

આરોપીઓ સાથે મુંબઈની યુવાન પરિણીતા ૩૫ વર્ષીય મધુમિતા ઉર્ફ અનામિકા પણ કારમાં મુસાફરી કરતા ઝડપાતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આ અંગે સુત્રોના જણાવ્યા મુજબ આરોપીઓ પૈકીનો પાર્થ ઉર્ફ સરદાર ઓએનજીસીના નિવૃત્ત અધિકારીનો પુત્ર છે અને તે કેટલાક સમયથી ડ્રગ્સના રવાડે ચઢતા તે તન્નુના સંપર્કમાં આવ્યો હતો અને પોતાનો શોખ પુરો કરવા માટે તે જાતે પેડલર બની ગ્રાહકોને ડ્રગ્સ સપ્લાય કરતો હતો. ડ્રગ્સની ખેંપ દરમિયાન પોલીસને શંકા ના જાય તે માટે પાર્થે મુંબઈમાં રહેતી ફ્રેન્ડ મધુમિતાને પણ કારમાં પોતાની સાથે લઈ ગયો હતો. મધ્યપ્રદેશથી ઠેક વડોદરા સુધી સહિસલામત પહોંચ્યા હતા પરંતું એસઓજીએ તેઓને વડોદરા આવતા ઝડપી પાડતા પાર્થની ગણતરી ઉંધી પડી હતી.

તનવીર છ માસથી લાલુ પાસેથી ડ્રગ્સ લાવી અત્રે પડીકીઓ વેચતો હતો

બિચ્છુ ગેંગનો સાગરીત તનવીર ઉર્ફ તન્નુ અગાઉ શહેરમાં ખંડણી,જમીન પચાવી પાડવાના, મારામારી, રાયોટીંગ અને હત્યાનો પ્રયાસના ગુનામાં સંડોવાયેલો છે. જાેકે આ ગુનાખોરીમાં સંડોવણી બદલ પોલીસે તેની સામે કડકાઈથી કામગીરી કરતા તેણે પોલીસની નજર ચુકવીને માદકદ્રવ્યના વેપલામાં ઝંપલાવ્યું હતું. તે છેલ્લા છ મહિનાથી મધ્યપ્રદેશનો ડ્રગ્સ સપ્લાયર લાલુ પાસેથી મોંઘુદાટ મેફેડ્રોનની જથ્થાબંધ ખરીદી કરી અત્રે લાવતો હતો અને ત્યારબાદ તેની નાની નાની પડીકી બનાવી પેડલરો મારફત ડ્રગ્સ એડિક્ટોને વેંચીને જંગી નફો રળતો હતો.