બંગાળ

નારદા સ્ટિંગ ઓપરેશન સંદર્ભે સીબીઆઈ દ્વારા પશ્ચિમ બંગાળની મમતા બેનર્જી સરકારનાં 2 મંત્રીઓ સહિત ચાર નેતાઓની ધરપકડ કરવામાં આવી છે. એજન્સીએ સોમવારે મંત્રી ફિરહાદ હાકીમ અને સુબ્રતા મુખર્જીની ધરપકડ કરી છે. આ સિવાય ટીએમસીનાં ધારાસભ્ય મદન મિત્રા અને કોલકાતાનાં પૂર્વ મેયર સુવન ચેટર્જીની પણ ધરપકડ કરવામાં આવી છે. આ નેતાઓની નારદા સ્ટિંગ ઓપરેશન સંદર્ભે ધરપકડ કરવામાં આવી છે. સોમવારે એજન્સીની ટીમ આ અધિકારીઓનાં ઘરે પહોંચી હતી અને પૂછપરછ માટે તેમને કોલકાતાનાં નિઝામ પેલેસ સ્થિત તેમની ઓફિસમાં લઇને આવી હતી.

એજન્સીનાં સૂત્રોએ જણાવ્યું હતું કે, પૂછપરછ કર્યા બાદ આ નેતાઓની ધરપકડ કરવામાં આવી છે અને તે પછીનાં દિવસે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. રાજ્યનાં રાજ્યપાલ જગદીપ ધનખરે સીબીઆઈને આ નેતાઓ વિરુદ્ધ કેસ ચલાવવા મંજૂરી આપ્યા બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. એક તબક્કે ટીએમસી સાથે સંકળાયેલા સુવન ચેટર્જી 2019 માં ભાજપમાં જોડાયા હતા, પરંતુ વિધાનસભાની ચૂંટણીમાં ભગવા પક્ષ તરફથી ટિકિટ ન મળ્યા બાદ તેમણે પાર્ટી છોડી દીધી હતી. બીજી તરફ, મદન મિત્રાએ તાજેતરની ચૂંટણીઓમાં કમરહાટી વિધાનસભા બેઠક જીતી હતી.

નારદા સ્ટિંગ ઓપરેશનમાં, ટીએમસીનાં ઘણા વરિષ્ઠ નેતાઓ બનાવટી કંપનીની મદદનાં બદલામાં રોકડ લેતા જોવા મળ્યા હતા.