વડોદરા : પોર ખાતે આવેલી રમણગામડી ખાતે આવેલી ખેડુતની જમીનનો બોગસ દસ્તાવેજથી કબજાે પડાવી લઈ જમીનમાલિક ખેડૂતને ધમકી આપતા અમદાવાદના કુખ્યાત ભુમાફિયા ભગુ પટેલ સહિતની આઠની ટોળકી વિરુધ્ધ જિલ્લા પોલીસે વધુ એક લેન્ડગ્રેબીંગનો ગુનો નોંધ્યો હતો અને આ પૈકી ચારની ધરપકડ કરી કૈાભાંડના સુત્રધાર ભગુ પટેલની શોધખોળ હાથ ધરી છે.  

માંજલપુર વિસ્તારમાં શ્રી ટેનામેન્ટમાં રહેતા ૫૮ વર્ષીય મહેન્દ્રભાઈ કાંતીભાઈ પટેલ પોર નજીક રમણગામડીના મુળ વતની છે અને વ્યવસાયે ખેડૂત હોઈ તેમની પાસે વડીલોપાજીત પાંત્રીસ વિઘા જેટલી જમીન છે. તેમણે ગત ૨૦૧૯માં રમણગામડીના બ્લોક નંબર ૯૬વાળી જમીન કલેકટર કચેરીમાં જુની શરતમાં ફેરવવા માટે અરજી કરી હતી અને ત્યારબાદ ઓનલાઈન પેટા તિજાેરીમાં ૧૮.૮૩ લાખથી વધુ નાણાં ભરીને વેચાણ દસ્તાવેજથી ખરીદી હતી. જમીન માલિક ખેડૂતોએ વેચાણ દસ્તાવેજ કરી આપી જમીનનો કબજાે સોંપ્યો હતો જેથી તેમણે આ જમીન પર ફેકટરી બનાવવા માટે શેરડીનો પાક કઢાવ્યો હતો અને આ જમીન અંગે કોઈને વાંધો કે હરકત હોય તો તેની જાણ માટે માધ્યમોમાં જાહેરાત પણ આપી હતી.

જાેકે ત્યારબાદ તેમના માલિકીની જમીન પચાવી પાડવા અમદાવાદના ભુમાફિયા ભગુ પટેલ સહિતની ટોળકીએ કારસો રચ્યો હતો. તેઓએ તેમની જમીનમાં ગેરકાયદે પ્રવેશ કર્યો હતો અને મહેન્દ્રભાઈના મજુરને તમે આમારા ખેતરમાં કેમ ઓરડી બનાવવાનું કામ કરો છો તેમ કહી વાહનોની તોડફોડ કરી હતી. આ બનાવની જાણ થતાં મહેન્દ્રભાઈ ખેતરમાં દોડી ગયા હતા અને વરણામા પોલીસને તેની જાણ કરી હતી. આ મામલો વરણામા પોલીસ મથકમાં પહોંચતા ત્યાં આવી પહોંચેલા ભગુ પટેલ અને રાજુ પટેલે તેમને ઉક્ત જમીનના કાગળો બતાવી જણાવ્યું હતું કે આ જમીન નાપરણ પ્રજાપતિએ મને આપી છે અને તેનો કબજાે લેવા જણાવ્યું હતું. એટલું જ નહી ત્યારબાદ મહેન્દ્રભાઈ પર સામાવાળા મણીભાઈ ડામોરે એટ્રોસિટીનો કેસ કર્યો હતો જેમાં તેમની ધરપકડ પણ થઈ હતી. આ દરિમયાન ટોળકીએ તેમની જમીનનો કબજાે પચાવી પાડી તેમાં ઓરડી બનાવી હતી અને ટોળકી પૈકીના ગુલામહુસેને ત્યાં શો મિલની કામગીરી શરૂ કરી દીધી હતી.

ટોળકીએ મહેન્દ્રભાઈની જમીન પર ગેરકાયદે પડાવી લઈ તેમને ધમકી આપતા આ બનાવની તેમણે વરણામા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે નવા બનેલા લેન્ડગ્રેબીંગના કાયદા હેઠળ ભગુ પટેલ સહિત આઠ આરોપીઓ વિરુધ્ધ ગુનો નોંધ્યો હતો અને તે પૈકીના ચારને ઝડપી પાડ્યા હતા.

અમદાવાદ, વડોદરા અને મહિસાગરની ટોળકીની સંડોવણી  

વરણામા પોલીસે ઉક્ત ગુનામાં ભગુ માવજી પટેલ (શારદાનગર, પાલડી અમદાવાદ), નારણ રામાભાઈ પ્રજાપતિ (શીવમ સોસાયટી, ધોળકા), રાજુ મણીભાઈ પટેલ (રમણગામડી, વડોદરા), મણીભાઈ રણછોડ ડામોર (મુળ જલપાદડી ગામ મહિસાગર, હાલ રહે.પ્રકૃતિ ટેનામેન્ટ, હરણી), અજીત પ્રભાત વાઘેલા (બળિયાદેવ સોસાયટી પાછળ, પોર, મુળ સરાર ગામ), રહીમ ગુલામહુસેન સિંધી , ઈમરાન રહીમ સિંધી અને ઈરશાદ રહીમ સિંધી (ત્રણેય ગુજરાત ટ્રેકટર સોસાયટી, તાંદલજા) સામે ગુનો નોંધતા જ એલસીબી પોલીસે આ પૈકીના રાજુ પટેલ, અજીત વાઘેલા, રહીમ સિંધી અને ઈમરાન સિંધીની ધરપકડ કરી અન્ય ચારની શોધખોળ હાથ ધરી છે.