ગાંધીનગર,તા.૧૪ 

રાજ્યમાં ૧૫ ઓગસ્ટ પહેલા લાખો કરોડો રૂપિયાનું ડ્રગ્સ ગુજરાતમાં ઘૂસાડવાના કારસાનો પર્દાફાશ થયો છે. પાટણમાંથી લાખો રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું છે. આ ઘટનામાં રાજસ્થાનથી ગુજરાતમાં ડ્રગ્સ ઘુસાડવાનું ષડયંત્ર હતું. જાે કે ગુજરાત એટીએસએ બાતમીના આધારે રેડ કરીને લાખો રૂપિયાનું ડ્રગ્સ અને અફીણને ઝડપી લીધું છે. પાટણના સિદ્ધપુર હાઈવે પર આવેલી ફેમસ હોટલ પરથી ગુરુવારે સાંજે ગુજરાત એટીએસ અને ક્રાઈમ બ્રાન્ચે આ ઘટનાને અંજામ આપ્યો હતો. આ ઘટનામાં ઝડપાયેલા ૪ આરોપીઓની પૂછપરછ હાથ ધરાઈ છે.પાટણ જિલ્લાના સિદ્ધપુર ખાતે હાઇવે સ્થિત હોટલ ફેમસ ઉપર મોડી સાંજે બાતમીના આધારે ગુજરાત એટીએસ સાથે એસઓજી તેમજ એલસીબી પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી જેમાં હોટલની બહાર ઉભી રહેલી ગાડીમાં રાખવામાં આવેલ એમડી ડ્રગ્સ અને અફીણનો જથ્થો કબજે લેવાયો હતો. આ ઘટનામાં ગુજરાત એટીએસને બાતમી મળી હતી કે, રાજસ્થાનના સાંચોરથી લાવવામાં મોટા પ્રમાણમાં ડ્રગ્સ અને અફીણનો જથ્થો અમદાવાદમાં ઘૂસાડવાનો છે. જ્યારે આ વસ્તુઓની ડીલીવરી આપવામાં આવી રહી હતી ત્યારે ચાર શખ્સોને રંગે હાથ ઝડપી લેવાયા હતા.આ ઘટનામા અંદાજે ૨૫ લાખથી વધુ મુદ્દામાલ જપ્ત કર્યો છે. એટીએસએ ડ્રગ્સ સાથે ૪ આરોપીઓની અટકાયત કરી છે. આરોપીએ પાસેથી બે કાર પણ જપ્ત કરાઇ છે. પોલીસે રેડ કર્યા બાદ તમામ માદક દ્રવ્યોની ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીની ટીમ દ્વારા તપાસ કરાતા એમડી ડ્રગ્સ અને અફીણ હોવાનું જણાયું હતું. એટીએસ પી.આઈ એમસી નાયક, ક્રાઈમ બ્રાન્ચ પી.આઇ નિખિલ બ્રહ્મભટ્ટ, પીઆઇ દર્શન બારડ ૨૦ પોલીસ જવાનો સાથે છાપો માર્યો હતો.