રાજકોટ,તા.૧૬  

 બે દિવસ પહેલા જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાં ખાખીના ખૌફનો એક બનાવ સામે આવ્યો હતો. આ મામલે ખૂદ જામનગર એસ.પી. શરદ સિંઘલ કાલાવાડ ખાતે દોડી ગયા હતા. આ મામલાની તપાસ ડીવાયએસપી કક્ષાના અધિકારીને સોંપવામાં આવી છે.

આ કેસમાં જવાબદાર ચાર પોલીસકર્મીને જિલ્લા પોલીસ વડાએ સસ્પેન્ડ કરી દીધા છે. કાલાવડમાં કાપડની દુકાન ધરાવતા એક પિતા-પુત્રને પોલીસે માસ્ક ન પહેરવા બદલ ઢોર માર માર્યો હતો. પિતા-પુત્રને સારવાર માટે હાૅસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. કાલાવડના જે વેપારી પિતા-પુત્રને ચાર પોલીસકર્મીઓ દ્વારા ઢોરમાર મારવામાં આવ્યો હતો. તેઓ હાલ પણ રાજકોટની મધુરમ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે. કાલાવડના મુળિલા ગેટ પર કાપડની દુકાન ધરાવતો નિશાંત ઘનશ્યામ ઉદેશી નામનો યુવાન પોતાની દુકાનમાં માસ્ક વગર હતો. આ સમય દરમિયાન કાલાવાડ પોલીસ મથકના કર્મીઓ ચેકિંગમાં નીકળ્યા હતા. પોલીસે આ યુવાનને માસ્ક ન પહેરવાનું કારણ પૂછ્યું હતું. આ દરમિયાન યુવક અને પોલીસકર્મીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી. પોલીસ સાથે ઘર્ષણ બાદ પોલીસ યુવાનને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી અને ત્યાં તેની સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી હતી. યુવાને પોતાના પિતાને પણ પોલીસ સ્ટેશન બોલાવી લીધા હતા. યુવકના પિતા સાથે પણ પોલીસની બોલાચાલી થઈ હતી. મામલાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જે બાદમાં પોલીસે પિતા-પુત્રને માર માર્યો હતો. આ મામલે નિશાંત ઉદેશીનું કહેવું છે કે, મારી અને મારા કાકાની કાપડની દુકાન બાજુ બાજુમાં આવેલી છે. સવારે પોલીસ ચેકિંગ માટે આવી ત્યારે મેં માસ્ક પહેર્યું ન હતું. જ્યારે મારા કાકાએ માસ્ક પહેર્યું હતું. પોલીસે ૪૦૦ રૂપિયા દંડ માંગતા મેં તેમને દંડ થાય તે વસૂલવાનું કહ્યું હતું. આ બાબતે રકઝક થતાં પોલીસે ગેરવર્તન કર્યું હતું.બાદમાં મને પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. થોડીવારમાં મારા પિતા પણ પોલીસ સ્ટેશન હાજર થયા હતા. મારી સાથે ગેરવર્તનનું રેકોર્ડિંગ મારા પિતા તેમના મોબાઇલમાં કરી રહ્યા હતા. પોલીસે આવું ન કરવાનું કહીને અમને ગાળો ભાંડી ગેરવર્તન કર્યું હતું. મને અને મારા પિતાને ઢોર માર મારી ત્રણ કલાક બેસાડી રાખ્યા હતા. મેડિકલની માંગ કરતા કાલાવડની હાૅસ્પિટલમાં લઈ ગયા હતા. અહીંથી રાજકોટની ખાનગી હાૅસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. સામાન્ય એવી બોલાચાલીમાં પોલીસે પિતા અને પુત્રને ઢોર માર મારતા આ મામલો મીડિયા સમક્ષ આવ્યો હતો. જેના પગલે જામનગરના એસપી પણ કાલાવડ દોડી ગયા હતા. તેમણે કાલાવડ પહોંચીને હેડ કોન્સ્ટેબલ ભરતસિંહ ક્યોર અને ત્રણ એલઆરડી વાસુદેવસિંહ જાડેજા, અશોકસિંહ અને નીકુલભાઈને સસ્પેન્ડ કરી દીધા હતા.