વડોદરા, તા.૨૫

સયાજી હોસ્પિટલમાં કોન્ટ્રાકટમાં ફરજ બજાવતા ચોથા વર્ગના કર્મચારીઓ દ્વારા તેમના ઉપર ચોરીઓના ખોટા આરોપો લગાવવામાં આવતાં તેઓ કોરોનાની ડેડબોડીઓનું કિટમાં પેકિંગ ન કરતાં તેમજ અડતા ન હોવાના કારણે સયાજી હોસ્પિટલમાં એનસીઓટીમાં કોરોનાની ડેડબોડી પડી રહેવાનો વખત આવ્યો છે. આજે પણ કોરોનાની ડેડબોડીના પેકિંગ માટેનો વિવાદ સર્જાતાં દોઢથી બે કલાક મૃતદેહ સ્ટ્રેચર ઉપર પડી રહ્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. આ ડેડબોડીઓના પેકિંગ માટે સ્ટાફ નર્સો દ્વારા એનસીઓટીમાં ફરજ બજાવતી ચોથા વર્ગની મહિલા કર્મચારીઓને દબાણ કરવામાં આવી રહ્યું છે. અગાઉ કોરોના સંક્રમિત દર્દીને સયાજી હોસ્પિટલ એનસીઓટીમાં લાવવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી કાર્યવાહી સાથે ડેડબોડીને કીટમાં ૫ેકિંગ કરીને કોન્ટ્રાકટના ચોથા વર્ગના કર્મચારીને કોલ્ડરૂમમાં મુકવા માટે મોકલ્યો હતો. બીજા દિવસે મૃતકના સગાઓએ મૃતકે સોનાના દાગીના, વીંટીઓ પહેરી હોવાનું જણાવી તેની માગણી કરી હતી. જાે કે, કોલ્ડરૂમમાં તપાસ કરતાં મૃતકે પહેરેલી વીંટીઓ ગાયબ થયેલ જણાઈ આવી હતી જે ચોરી થયાનો સીધેસીધો આરોપ ચોથા વર્ગના નિર્દોષ કર્મચારી ઉપર આવ્યો હતો જેથી મામલો પોલીસ મથકે પહોંચતાં પોલીસે કર્મચારીને પોલીસ મથકે લઈ જઈને માર મારવામાં આવ્યો હતો. ચોરીના ખોટા આરોપથી ગભરાઈ ગયેલા ચોથા વર્ગના કર્મચારીઓ કોરોનાની બોડીનું કવરમાં પેકિંગ કરતાં ન હોવાથી કોરોનાની બોડીઓ કલાકો તાત્કાલીક સારવાર વિભાગના એનસીઓટીમાં પડી રહે છે.