વડોદરા : ગોરવામાં રહેતા વેપારી દંપતીના બેંક ખાતામાંથી ગઠિયાઓએ દંપતીની જાણ બહાર બે માસ અગાઉ એક જ દિવસમાં છ અલગ અલગ ખાતામાં પેટીએમ મારફત બારોબાર ૧૪.૭૧ લાખ ટ્રાન્સફર કરાવીને ઉપાડી લઈ ઠગાઈ કરતા આ બનાવની સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદન્ નોંધાઈ હતી.

ગોરવા વિસ્તારની ગીરીરાજ પાર્કમાં રહેતા જવાહરલાલ હરિનારાયણ યાદવે શહેરના સાયબર ક્રાઈમ સેલમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ‘ હું છેલ્લા ૩૫ વર્ષથી લક્ષ્મીપુરા રોડ પર રામેશ્વરપાર્કમાં મેકલોક એન્જિનિયર્સ નામથી ઈન્ડસ્ટ્રીયલ કન્સ્ટ્રકશનનો વેપાર કરું છે. મકરપુરાની દેના બેંકની બ્રાન્ચમાં મેકલોક એન્જિ. ના નામથી મારી પત્ની આશાબેન સાથે જાેઈન્ટ કેશ ક્રેડીટ એકાઉન્ટ ખોલાવ્યું છે. ગત ૧૪મી ડીસેમ્બર-૨૦ના રોજ અમને બેન્ક તરફથી જાણ કરાઈ હતી કે દેના બેન્ક હવે બેંક ઓફ બરોડામાં મર્જ થવાની છે. આ ઉપરાંત અમને અમારા કેશ ક્રેડીટ એકાઉન્ટનો નવો નંબર આપી એક દિવસમાં ૧૦ લાખ ઓનલાઈન પેમેન્ટની લીમીટ હોવાની સુચના આપી હતી.

ગત ૧૫મી ડિસેમ્બરે અમારા ઉક્ત એકાઉન્ટમાં ૨૪.૪૨ લાખથી વધુ નાણાં જમા થયા હતા જેમાંથી બે દિવસ અમારા પુત્રએ કેટલાક પેમેન્ટ કર્યા હતા. ૧૭મી ડિસેમ્બરે જીએસટીનું પેમેન્ટ કરવાનું હતું જેથી બેંક સ્ટેટમેન્ટ ચેક કરવા જતા બેન્કની એપ્લીકેશન પાસવર્ડ ખોટો હોવાનું બતાવતી હતી જેથી મે પાસવર્ડ રીસેટ કરી સ્ટેટમેન્ટની ચકાસણી કરી હતી જેમાં અમારી જાણ બહાર ગઠિયાઓએ (૧)શિવકુમારી પેટીએમ પેમેન્ટ(૨) લલીતકુમાર પેટીએમ પેમેન્ટ (૩)શ્રી કાયસન પેટીએમ પેમેન્ટ(૪) રામપ્યારે પેટીએમ પેમેન્ટ(૫) અને ભાલો પેટીએમ(૬) ટીએસ એન્ટીક્સ વિજય બેંક ખાતામાં એનઈએફટી ટ્રાન્જેકશન મારફત અમારા જાેઈન્ટ એકાઉન્ટમાંથી બારોબાર ૧૪.૧૭ લાખ ટ્રાન્સફર કરીને ઉપાડી લીધા હોવાની જાણ થઈ હતી. અમને બેંક તરફથી કોઈ મેસેજ કે ફોન આવ્યો નથી અને અમારા ખાતાની ગુપ્ત માહિતી પણ કોઈની સાથે શેર કરી નથી છતાં આ બનાવ બન્યો છે’. આ વિગતોના પગલે પોલીસે હાલમાં ઉક્ત છ ખાતા ધારકો વિરુધ્ધ છેતરપિંડી અને સાયબર ક્રાઈમ એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.