ન્યૂ દિલ્હી

વિશ્વની સૌથી મોટી સોફ્ટવેર કંપનીઓમાંની એક ઓરેકલના ભારતના હેડ પ્રદીપ અગ્રવાલ અને તેમની પત્ની મીનુ અગ્રવાલ સામે ગ્રાહકોની છેતરપિંડી કરવા બદલ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે જણાવ્યું હતું કે આ બંનેએ ઓરેકલ કંપનીની સદભાવનાનો ઉપયોગ કરીને પ્રોજેક્ટ્‌સ માટે ગ્રાહકો પાસેથી અગાઉથી મોટી રકમ લીધી હતી. તેમની સામે આઈપીસીની કલમ ૪૦૬, ૪૨૦, ૫૦૬ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને તેઓને ગુરુગ્રામ સ્થિત તેમના નિવાસ સ્થાને નોટિસ ફટકારી છે.

મીનુ અગ્રવાલની ઈન્ટીરિયર કંપની મેડ્‌સ ક્રિએશન પ્રા.લિ. એ દિલ્હી એનસીઆરમાં અને નજીકમાં તેના ગ્રાહકો પાસેથી મોટી રકમ લીધા બાદ નબળી ગુણવત્તાવાળી કામગીરી કરી હતી અને કેટલાક કિસ્સામાં અગાઉથી કંપનીએ કામ પૂર્ણ કર્યું ન હતું. પોલીસે જણાવ્યું કે એમએડીએસ ક્રિએશનની આ છેતરપિંડી પાછળ દેશના વડા અને ઓરેકલના સિનિયર ડિરેક્ટર એવા પ્રદીપ અગ્રવાલનો હાથ છે. પ્રદીપ અને તેની પત્નીએ ગ્રાહકોને ફસાવવા માટે ઓરેકલની ઓળખપત્રોનો ઉપયોગ કર્યો હતો. આ મામલે પોલીસે જણાવ્યું હતું કે મીનુ અગ્રવાલે ગ્રાહકોને જાતીય સતામણી અને હત્યાના પ્રયાસના આરોપમાં ફસાવી દેવાની પણ ધમકી આપી હતી.