વડોદરા : નમો નમઃ ફાઉન્ડેશન દ્વારા અનેક લોકો સાથે કરોડો રૂપીયાની છેતરપિંડી કરાઈ હોવાની ચોંકાવનારી ઘટના બહાર આવી છે. ૨૦૧૮માં ચાલતા આ મોટા કૌભાંડમાં રાજ્ય અને રાજ્ય બહારના અનેક લોકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. જેમાં અત્રેની અદાલત અને ગોરવા પોલીસ મથકે અનેક ફરિયાદ કરવા છતાં નમો નમઃ ફાઉન્ડેશનના સૂત્રધારો ખૂલ્લેઆમ ફરી રહ્યા છે અને લોકોને છેતરવા માટે ફસાવી રહ્યા છે.

શહેરના એટલાઈન્ટિસ હાઈટ્‌સ સારાભાઈ કંપાઉન્ડમાં આવેલી કેટેન સહિતની જુદી જુદી બહુમાળી બિલ્ડિંગોમાં વૈભવી ઓફિસો ખોલી નમો નમઃ ફાઉન્ડેશન અને નમો નમઃ ફીન સર્વ પ્રા.લિ.ના નામે અનેક લોકોને ઓછા વ્યાજની અને વગર વ્યાજની એક લાખથી ૩૫૦ કરોડ રૂપિયાની લૉન અપાવવાના બહાને અનેક લોકો પાસેથી ફાઈલ ચાર્જ, પ્રોસેસિંગ ફી, મોર્ગેજ ચાર્જ, લીગલ ફી, સ્ટેમ્પ ડયૂટીના નામે કરોડો રૂપિયા ઉઘરાવી લૉન નહીં આપી છેતરપિંડીનું આખું કૌભાંડ ચાલે છે.

નમો નમઃ ફીન સર્વ પ્રા.લિ. કંપનીએ સપ્ટેમ્બર ૨૦૧૮માં અમદાવાદ આરઓસી ખાતે નોંધાયેલી કંપની છે જેમાં ડાયરેકટર તરીકે ભાવનાબેન ગજાનંદ ભટ્ટ અને સાહિદભાઈ હુસેનભાઈ મીઠાના નામ નોંધાયેલા છે. આ ઠગટોળકીએ સામાન્ય લોકોને છેતરવા માટે વૈભવી ઓફિસ ઉપરાંત આકર્ષક વેબસાઈટ પણ બનાવી ૧૦૦ ઉપરાંત એજન્ટો બનાવ્યા છે. વૈભવી ઓફિસોમાં સ્વરૂપવાન યુવતીઓ રાખીને ફેસબુક, ગૂગલ પેજ દ્વારા તદ્દન ઓછા વ્યાજે લોન અપાવવાની લાલચો આપવામાં આવી હતી.

તાજેતરમાં મહારાષ્ટ્રના પૂણે પાસેના સતારાના એક જિન ફેકટરીના માલિક સાથે રૂા.૧૨ કરોડની લૉન અપાવવાના બહાને જુદા જુદા સમયે અનવરભાઈ પાસેથી રૂા.૪૦ લાખ જેવી માતબર રકમ પડાવી લીધા બાદ લાંબા સમય સુધી લૉન નહીં આપતાં પ્રથમ આ મામલો એસીપી ગોરવા બી.એ.ચૌધરી પાસે પહોંચ્યો હતો, જ્યાંથી ગોરવા પોલીસ મથકે લેખિતમાં ફરિયાદ એક મહિના અગાઉ આપવામાં આવી હોવા છતાં આજદિન સુધી કોઈ જ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી. જ્યારે અત્રેની અદાલતમાં પણ નમો નમઃ ફીન સર્વ પ્રા.લિ.એ કરેલી છેતરપિંડીના અનેક દાવાઓ દાખલ થયેલા છે. જ્યારે ગોરવા પોલીસ મથકે પણ ફરિયાદો નોંધાઈ હોવા છતાં મોટા માથાઓની સંડોવણી, વકીલોની મિલીભગત, પોલીસની સાંઠગાંઠ અને માથાભારે ભાઈલોગની પહોંચને કારણે હજુ સુધી ઠગટોળકીએ છેતરપિંડી ચાલુ જ રાખી છે. નમો નમઃ ફીનસર્વ પ્રા.લિ.ની ઠગટોળકીએ નમો નમઃ વેબ ચેનલ પણ ચાલુ કરી પત્રકારના નામે લોકોને ડરાવવાનું કામ કરી રહ્યા છે.

નમો નમઃ ફીન સર્વ પ્રા.લિ.ના કોણ કોણ સૂત્રધારો?

નમો નમઃ ફીન સર્વ પ્રા.લિ.ની ઠગટોળકીમાં ભાવના ગજાનંદ ભટ્ટ, સાહિદ હુસેનભાઈ મીઠાનો સમાવેશ થાય છે. જ્યારે નમો નમઃ ન્યૂઝ ચેનલના ગજેન્દ્ર ભરતસિંહ જાદવ ઉપરાંત ઓફિસમાં બેસતી વિનીતા મેડમ, જૈમિકા મેડમ, કીર્તિ મેડમનો સતારાના અનવરભાઈએ આપેલી ફરિયાદમાં ઉલ્લેખ છે. આ લોકો પેકી કેટલાક સામે અત્રેની અદાલત અને ગોરવા પોલીસમાં અગાઉ ફરિયાદો થઈ ચૂકી હોવા છતાં આ કૌભાંડ ચાલી રહ્યું છે.

બેન્ક ખાતાઓની તપાસ થાય તો વધુ ચોંકાવનારી માહિતી બહાર આવશે

છેતરપિંડીના કૌભાંડને ઢાંકવા નમો નમઃ ફીન સર્વ પ્રા.લિ. દ્વારા નમો નમઃ ફાઉન્ડેશન નામની એનજીઓ પણ ખોલાઈ છે. આ ઉપરાંત નમો નમઃ ન્યૂઝ ચેનલ પણ ચલાવાય છે. આખા કૌભાંડમાં નમો નમઃ ફીન સર્વના બેન્ક ખાતાઓના વ્યવહાર તપાસવામાં આવે તો કેટલાક વકીલોની પણ શંકાસ્પદ ભૂમિકા બહાર આવે એમ છે. જ્યારે છેતરપિંડીથી મેળવેલા મોટાભાગના નાણાનું સીધું જ સોનું મોટા પ્રમાણમાં ખરીદવામાં આવતું હોવાનું કહેવાય છે, એની પણ તપાસ થવી જરૂરી છે.