વડોદરા

દુબઈમાં બાસમતી ચોખા નિકાસ કરવા માટે ભાગીદારની જરૂર છે તેવી ખોટી વાતો કહીને યુવકને ભાગીદાર બનાવીને તેની પાસેથી ૨૬.૪૧ લાખ રૂપિયા ખંખેરી લીધા બાદ યુવક વિરુધ્ધ વ્યાજખોરીની ફરિયાદ કરનાર ગઠિયા વિરુધ્ધ હવે વારસિયા પોલીસે ઠગાઈનો ગુનો નોંધ્યો છે.

ન્યુવીઆઈપીરોડ પર અશોકા વાટિકામાં રહેતા સાગર પ્રવિણભાઈ બ્રહ્મભટ્ટને ગત નવેમ્બર-૨૦૧૭માં આશુતોષ શૈલેષ પરીખ (ઘનશ્યામપાર્ક સોસાયટી, હરણી વારસિયા રીંગરોડ) સાથે પરિચય થયો હતો. આશુતોષે સાગરને જણાવ્યું હતું કે હું ઈમ્પોર્ટ-એક્સપોર્ટનો વ્યવસાય કરુ છુ અને ટુંક સમયમાં ભારતથી દુબઈ ખાતે બાસમતી ચોખા નિકાસ કરવા માટે મારે ભાગીદારની જરૂર છે. તેની વાત પર ભરોસો મુકી સાગર તેની સાથે ભાગીદારીમાં ચોખાના નિકાસનો વેપાર કરવા તૈયાર થયો હતો અને તેણે ચેક તેમજ રોકડ મારફત આશુતોષને ૨૬.૪૧ લાખ આપ્યા હતા.

જાેકે આશુતોષે ખોટુ બોલીને નાણાં મેળવ્યાની જાણ થતાં સાગરે તેના નાણાની ઉઘરાણી કરી હતી જેમાં આશુતોષે જણાવ્યુ ંહતું કે તમારા વિરુધ્ધ મે ફરિયાદ દાખલ કરાવી છે હવે રૂપિયા લેવા માટે આવીશ તો તારા હાથપગ તોડી નાખી તને પતાવી નાખીશ. આ બનાવની સાગરે વારસિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આશુતોષ પરીખની ધરપકડ કરી હતી. આશુતોષને નાણાંની ઉચાપત કરવા માટે એક બિલ્ડર અને પોલીસના એક કહેવાતા દલાલે મદદગારી કરી હોવાનું વાત વહેતી થતા પોલીસે તે દિશામાં તપાસ શરૂ કરી છે.