વડોદરા : વડોદરા શહેરના ગોત્રી પોલીસ મથકે નોંધાયેલ રૂા.૯ર.૯ર લાખની ઠગાઈના કેસમાં મુખ્ય આરોપી બીજા જ હોવાનું લેખિત ફરિયાદ ઉચ્ચ પોલીસ અધિકારી સમક્ષ કરવામાં આવી હતી. જ્યારે કૌભાંડના મુખ્ય આરોપીએ અદાલતમાં કરેલી આગોતરા જામીનઅરજી નામંજૂર કરવામાં આવી હતી. આ બનાવની પ્રાપ્ત વિગત અનુસાર વડોદરા લક્ષ્મીપુરા રોડ પર શ્રીજી ગોલ્ડ ફલેટના ડી-બ્લોમાં રહેતા નિશાંત કમલેશ પટેલે આગોતરા જામીનઅરજી માટે જજ આર.ટી.પંચાલની કોર્ટમાં અરજી કરી હતી. જેમાં તપાસ અધિકારીએ જણાવ્યું હતું કે, ગોત્રી પોલીસ સ્ટેશનમાં હાઉસિંગ બોર્ડના મકાનો, દુકાનો તેમજ બેન્ક-રેલવેમાં નોકરી અપાવવા માટેની લાલચ આપી રૂા.૧.૧૭ કરોડની છેતરપિંડી થઈ છે જે અંગેના નાણાં રિકવર કરવાના બાકી છે તેમજ પોલીસે વિજય રમણ દવે, કિશોર બાબુ સંત અને સસરા-જમાઈ જયરાજ વાસુદેવ સગર તથા બાલા વેંકેટેશ્વર જેટ્ટીની પૂછપરછમાં નિશાંત કમલેશ પટેલની સહઆરોપી તરીકે સંડોવણી હોવાની હકીકત તપાસમાં ખૂલવા પામી છે તેમ જણાવ્યું છે. નિશાંત કમલેશ પટેલ સુભાનપુરા રામા કલાસિસમાં શિક્ષક તરીકે કામ કરે છે એમ તેઓની ફરિયાદમાં જણાઈ આવ્યું છે. જેથી તપાસ માટે આ નિશાંત પટેલના આગોતરા જામીન મંજૂર કરવા નહીં તેવી રજૂઆત કરી હતી. નામદાર કોર્ટ દ્વારા પોલીસ અને બચાવપક્ષના વકીલની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે નિશાંત પટેલની જામીનઅરજી ફગાવી દીધી હતી. અલબત્ત, જામીનઅરજી નામંજૂર કરી હતી. 

આ કિસ્સાની બીજી બાજુ આરોપી જયરાજ વાસુદેવ સગર દ્વારા પોલીસ કમિશનરને ફરિયાદ કરી છે કે નિશાંત પટેલ રામા ક્લાસિસમાં અમારા પુત્ર ક્રિષ્ણા સગરને ભણાવતા હોવાથી સંપર્કમાં આવ્યા હતા અને તેઓ વર્ષ ૨૦૧૬માં આવીને તમારા પુત્ર ક્રિષ્ણાને બેન્કમાં નોકરી લગાવી દઈશું તેમ કહી વિશ્વાસમાં લઈ મારા મિત્ર જૈમિનભાઈ જેઓ દેના બેન્કમાં અલકાપુરી શાખામાં હેડ પોઝિશન ધરાવે છે તેમ કહી દેના બેન્કનું કેશિયર લખેલું અસલ એપોઈન્ટમેન્ટ લેટર અને આઈકાર્ડ આપ્યું હતું. એ જ પ્રમાણે નિશાંત પટેલે વિશ્વાસમાં લઈ મારા મિત્ર જયંત પટેલ રેલવે વિભાગમાં લાગવગ ધરાવતા હોવાથી તમારા પુત્ર-પુત્રી અને જમાઈને પશ્ચિમ રેલવેમાં મોટા હોદ્દા પર નોકરી લગાવી દઈશું તેમ કહી અમારી નિવૃત્તિ સમયે આવેલી રકમના રૂા.૧૭ લાખ રોકડા તેઓને ચૂકવ્યા હતા અને પુત્ર ક્રિષ્ણા સગર અને જમાઈને ટિકિટ ચેકર તેમજ પુત્રી વૈષ્ણવી સગરને હેડ કેશિયરની નોકરી અપાવવા પશ્ચિમ રેલવેના લગોવાળા લેટર હેડ ઉપર એપોઈન્ટમેન્ટ લેટર અને મિનિસ્ટ્રી ઓફ રેલવે લખેલા આપ્યા હતા. તે બાદ નિશાંત પટેલે વિશ્વાસમાં લઈને જણાવ્યું હતું કે, મારા મિત્ર પ્રથમેશભાઈ શેર માર્કેટનું કામ કરે છે તેમાં સારું વળતર મળશે તેમ જણાવી પ્રથમેશને ઈન્વેસ્ટમેન્ટ કરો જેથી ઊંચું વળતર મળશે તેવી લાલચ આપી રૂા.૧૯ લાખ તેમજ વિજયભાઈ દવે રૂા.૧૯ લાખનું રોકાણ કરવા નિશાંત પટેલને રકમ આપી હતી. આમ મોટી રકમના સપનાં બતાવી ષડ્‌યંત્ર રચી લાખો રૂપિયા પડાવી લીધા હતા. એટલું જ નહીં, અમારા પત્ની પદમાવતી સગરના ૧૦ તોલા અને પુત્રી વૈષ્ણવીનું ૧૦ તોલા સોનું મુથુટ ફાઈનાન્સ કંપનીની ઓફિસમાં ગીરવે મુકાવી રૂા. ૬.૬૫ લાખની રકમ સરકારી નોકરી અપાવવાના બહાને પડાવી લીધા હતા. જેથી આ ઠગાઈના કેસમાં નિશાંત પટેલ અને જયંત પટેલ મુખ્ય જવાબદાર છે તેઓ સામે કાર્યવાહી કરવા માગણી કરેલ છે.