વડોદરા

વારંવાર વિવાદોમાં સપડાવા છતા ભાજપા અગ્રણીઓની છત્રછાયાના કારણે બચી રહેલા કુખ્યાત હર્ષિલ લિંબાચિયાએ વાસણારોડ પર રહેતા કોન્ટ્રાક્ટરને પોતે મ.સ.યુનિ.માં સેનેટ મેમ્બર હોવાની બોગસ ઓળખ આપી તેમજ કોન્ટ્રાક્ટરની પુત્રીને મેડિકલ કોલેજમાં એડમિશન અપાવવાના ખાત્રી આપીને કોન્ટ્રાકટર પાસેથી ૨૫ લાખથી વધુ પડાવી લઈ તેમજ એડમીશન થઈ ગયુ છે તેવા ગોત્રી મેડિકલ કોલેજના સહિસિક્કાવાળા બોગસ ઓર્ડર અને ઓળખપત્ર સહિતના કાગળો આપી ઠગાઈ કરતા આ બનાવની માંજલપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. વાસણારોડ પર આવેલા સુંદરમનગર સોસાયટીમાં રહેતા ૫૦ વર્ષીય સત્યભાઈ આનંદકુમાર રઘુ વ્યવસાયે સિવિલ કોન્ટ્રાકટર છે. ગત ૨૦૧૭માં તેમની પુત્રી ગ્રીષ્મા ધો.૧૨ સાયન્સમાં પાસ થતા તેણે મેડિકલ કોલેજમાં એડમીશન માટે નીટની પરીક્ષા આપી હતી જે પાસ કરતા તેને અમદાવાદમાં એડમીશન મળ્યું હતું. જાેકે ગ્રીષ્મા એકની એક પુત્રી હોઈ અને તેનું એડમીશન વડોદરાની મેડિકલ કોલેજમાં થાય તે માટે સત્યભાઈએ પ્રયાસ કર્યા હતા. આ દરમિયાન તેમને એક મહિલા શિક્ષક મારફત મ.સ.યુનિ.નો પુર્વ વિદ્યાર્થી નેતા તેમજ શહેર ભાજપાનો પુર્વ અગ્રણી હર્ષિલ પ્રવિણ લિમ્બાચિયા (શ્રી સિધ્ધેશ્વર હેવન ફ્લેટ, કલાલીરોડ) સાથે ગત ઓગસ્ટ-૨૦૧૭માં પરિચય થયો હતો. હર્ષિલે પોતે મ.સ.યુનિ.માં સેનેટ મેમ્બર હોવાથી તેની પાસે ૭ સીટો મેડિકલમાં ફાળવવા માટેની સત્તા છે તેમ જણાવ્યું હતું અને ગ્રીષ્માને ગોત્રીની સરકારી મેડિકલ કોલેજમાં એડમીશન અપાવી દેવાની ખાત્રી આપી હતી. તેણે એનઆરઆઈ ક્વોટામાં માત્ર બે સીટ ખાલી છે તેમ કહી એનઆરઆઈ ક્વોટામાં એડમીશનના બહાને ગ્રીષ્માના ફોટા અને દસ્તાવેજાે મેળવી મ.સ.યુનિ.ની વેબસાઈટ પર ગ્રીષ્માનું નામ બતાવ્યું હતું. તેની વાત પર ભરોસો રાખી સત્યભાઈએ તેને સમયાંતરે કુલ ૨૫,૦૧,૨૦૦ રૂપિયા ચુકવતા હર્ષિલે મેડિકલ કોલેજમાં ગ્રીષ્માનું એડમીશન થઈ ગયુ છે તેવો બોગસ ઓર્ડર ઉપરાંત આઈડી કાર્ડ સહિતના બોગસ દસ્તાવેજાે પણ બનાવ્યા હતા જેની પર ગોત્રી મેડિકલ કોલેજ અને અધિકારીઓના નામના સહિસિક્કા હતા. જાેકે તપાસ દરમિયાન હર્ષિલે બોગસ દસ્તાવેજાે બનાવી ઠગાઈ કરી હોવાની જાણ થતાં સત્યભાઈએ તેની પાસે પોતાના પૈસા પાછા માંગ્યા હતા જેમાં તેણે માત્ર ૧૫ લાખ પાછા આપી બાકીના નાણા નહી આપી ઠગાઈ કરી હતી. આ બનાવની સત્યભાઈએ માંજલપુર પોલીસ મથકમાં હર્ષિલ સામે છેતરપિંડી અને બોગસ દસ્તાવેજાે બનાવવાની ફરિયાદ નોંધાવી હતી.