આણંદ : સરકારની સૂચના અનુસાર જિલ્લા કલેક્ટર આર.જી. ગોહિલના માર્ગદર્શન હેઠળ જિલ્લા પૂરવઠા તંત્ર દ્વારા આણંદ જિલ્લાના NFSA કાર્ડધારકો તેમજ NON NFSA BPL કાર્ડધારકોને આજે તા.૨૧મીથી તા.૩૦ સુધી વાજબી ભાવની દુકાનેથી વ્યકિતદીઠ ૩.૫૦૦ કિગ્રા ઘઉં, ૧.૫૦૦ કિગ્રા ચોખા તથા કુટુંબદીઠ ૨.૦૦ કિગ્રા ચણાનું વિનામૂલ્યે વિતરણ કરવાનો પ્રારંભ કરવામાં આવશે. NFSA રેશનકાર્ડ ધારકો અને NON NFSA BPL રેશનકાર્ડ ધારકએ તેમનાં રેશનકાર્ડનાં છેલ્લા અંક મુજબ વાજબી ભાવની દુકાને જથ્થો મેળવવા જવાનું રહેશે. 

તદ્‌અનુસાર રેશનકાર્ડનો છેલ્લો અંક ૧ હોય તે કાર્ડધારકોને આજે તા.૨૧ના રોજ જ્યારે ૨ હોય તે કાર્ડધારકોને તા.૨૨ના રોજ, રાશનકાર્ડનો છેલ્લો અંક ૩ હોય તે કાર્ડધારકોને તા.૨૩ના રોજ, છેલ્લો અંક ૪ હોય તે કાર્ડધારકોને તા.૨૪ના રોજ, છેલ્લો અંક ૫ હોય તે કાર્ડધારકોને તા.૨૫ના રોજ, છેલ્લો અંક ૬ હોય તે કાર્ડધારકોને તા.૨૬ના રોજ, છેલ્લો અંક ૭ હોય તે કાર્ડધારકોને તા.૨૭ના રોજ, રાશનકાર્ડનો છેલ્લો અંક ૮ હોય તે કાર્ડધારકોને તા.૨૮ના રોજ, છેલ્લો અંક ૯ હોય તે કાર્ડધારકોને તા.૨૯ના રોજ અને રાશનકાર્ડનો છેલ્લો અંક ૦ હોય તે કાર્ડધારકોને તા.૩૦ના રોજ અનાજ મળશે. જિલ્લા પૂરવઠા અધિકારી ગોપાલ બામણિયાએ એક યાદી દ્વારા જણાવ્યું હતું કે, કોઇ કારણોસર રાશનકાર્ડધારકો ઉપરોકત મુજબની તારીખોમાં જથ્થો ન મેળવી શકે તો તેઓએ બીજા કોઇ દિવસે જથ્થો લેવા જવાનું થશે નહીં. આવા કાર્ડધારકોએ તા.૩૧ ઓક્ટોબરના રોજ જથ્થો મેળવવાનો રહેશે. ઓક્ટોબર માસ માટે થનારી વિતરણ વ્યવસ્થામાં લાભાર્થીને વ્યાજબી ભાવની દુકાનેથી ઓનલાઇન પદ્ધતિ દ્વારા વિતરણ કરવામાં આવશે. જથ્થો મેળવવા માટે NFSA રાશન કાર્ડધારકો અને NON NFSA BPL રાશન કાર્ડધારકોએ કાર્ડદીઠ એક જ વ્યકિતએ જ જવાનું રહેશે. તેમજ પોતાનું રાશનકાર્ડ તથા આધારકાર્ડ બિનચૂક સાથે લઈ જવાના રહેશે. જથ્થો મેળવતાં સમયે રાશન કાર્ડધારકોએ કોરોનાવાઇરસના સંક્રમણને ફેલાતો અટકાવવા સોશિયલ ડિસ્ટન્સના નિયમોનું ચૂસ્તપણે પાલન કરવાનું રહેશે.