સત્ય, અહિંસા, સર્વધર્મ સમભાવ સહિત સિધ્ધાંતથી ભારત દેશની આઝાદી માટે નેતૃત્વ આપનાર પૂજ્ય મહાત્મા ગાંધીના નિર્વાણ દિન નિમિત્તે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા રાજીવ ગાંધી ભવન પટાંગણમાં ‘‘પ્રાર્થના સભા’’ બાદ પત્રકારો સાથે વાતચિતમાં કોંગ્રેસ પક્ષના સંગઠન પ્રભારી અને રાજસ્થાનના પૂર્વ આરોગ્યમંત્રી ડૉ. રઘુ શર્માજીએ જણાવ્યું હતું કે, પૂજ્ય મહાત્મા ગાંધીએ વિશ્વને સત્ય, અહિંસા, સર્વધર્મ સમભાવના મહાન સિધ્ધાંતો આપ્યાં. આજે અમે સંકલ્પ લીધો છે કે જે વિચારધારા જાતિ - ધર્મના આધારે વહેંચવાનું કામ કરે છે તેની સામે કોંગ્રેસજન લડત આપશે. આ દેશની એકતા અને અખંડિતતા ત્યારે જ સાચવી શકીશુ જ્યારે બધા ધર્મોને સન્માનથી સાથે રાખીશુ. દેશમાં શાંતિ અને ભાઈચારાનું વાતાવરણ હશે ત્યારે જ રાષ્ટ્ર એક રહેશે પ્રગતિ કરશે. દુઃખ અને દુર્ભાગ્યની વાત એ છે કે આજે દેશમાં એ તાકાતો સત્તા સ્થાને છે જે ગાંધીજીના વિચારોથી વિપરીત એજન્ડા લઈને ચાલે છે.