દિલ્હી-

કેરળના કોઝિકોડ એરપોર્ટ પર એર ઇન્ડિયા એક્સપ્રેસનું વિમાન રન વે પરથી સરકી જતાં સર્જાયેલી દુર્ઘટનામાં 18 પ્રવાસીનાં મોત નીપજ્યાં હતાં તે ઘટનાના બે સપ્તાહ બાદ ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન દ્વારા તમામ ભારતીય એરલાઇન્સનું એક ખાસ સેફ્ટી ઓડિટ શરૂ કરવામાં આવ્યું છે. ડીજીસીએનાં સૂત્રોના જણાવ્યા અનુસાર આ એક સંપૂર્ણ ફ્લાઇટ ઓપરેશન્સ ક્વોલિટી એશ્યોરન્સ ઓડિટ હશે. એફઓદક્યુએ તરીકે ઓળખાતી આ ઓડિટ પ્રક્રિયામાં ફ્લાઇટ ઓપરેશન્સ સલામત રીતે થાય તે સુનિશ્ચિત કરવા માટે ફ્લાઇટસના તમામ પ્રકારના ડેટા મેળવી તેનું એનાલિસીસ કરવામાં આવે છે. દેશની તમામ વિમાન કંપનીઓને આ સેફ્ટી ઓડિટ હેઠળ આવરી લેવામાં આવશે. પહેલા તબક્કામાં સ્પાઇસ જેટ તથા એર ઇન્ડિયાનું સેફ્ટી ઓડિટ હાથ ધરવામાં આવશે.

ડિરેક્ટરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન દ્વારા ભારતમાં ભારે વરસાદ થતો હોય તેવાં તમામ એરપોર્ટનું હાલનાં ચોમાસાં દરમિયાન ખાસ સેફ્ટી ઓડિટ પણ શરૂ થઇ ચૂક્યુ હોવાનુ સૂત્રોએ જણાવ્યું હતું. કોઝિકોડ પ્લેન ક્રેશના ચાર દિવસ બાદ ડીજીસીએ દ્વારા આ પ્રકારનું ઓડિટ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા કોઝિકોડ સહિત દેશનાં 100 એરપોર્ટનું સંચાલન કરવામાં આવે છે.