વડોદરા : વડોદરા શહેર જિલ્લામાં વિવિધ રસીકરણ કેન્દ્રો ખાતે અનેક શંકાકુશંકાઓ વચ્ચે કોરોનાની રસીનો પહેલો ડોઝ કોરોના વોરિયર્સને આપવામાં આવશે. જેઓએ કોરોનાની મહામારી દરમ્યાન કોરોના વોર્ડમાં રાઉન્ડ ધ ક્લોક ફરજ બજાવી છે. આને માટે વડોદરા મહાનગર પાલિકા અને જિલ્લા આરોગ્ય તંત્ર સજ્જ બની ગયું છે. આ માટે વડોદરા મહાનગર પાલિકા અને સયાજી હોસ્પિટલના અગ્રણીઓની સંયુક્ત મિટિંગમાં પહેલા ૧૦૦ રસી લેનારા વોરિયર્સની પસંદગીને મોહર મારવામાં આવી છે. જેઓને રસી અપાશે. એમાં પ્રથમ એકસોની યાદીમાં ૧૪ મહિલા તબીબો સહિત ૬૩ મહિલાઓનો સમાવેશ કરાયો છે. આ અંગે મળેલી સંયુક્ત સંકલન સમિતિની બેઠકમાં પહેલા દિવસના પ્રથમ સો લાભાર્થીઓની યાદી બનાવવામાં આવી હતી. એમ કોવીડ ટ્રીટમેન્ટ ફેસિલિટીના વહીવટી નોડલ અધિકારી ડો.બેલીમ ઓ.બી.એ જણાવ્યું હતું. આ પસંદગીમાં ડોકટર, નર્સિંગ સ્ટાફ,સહાયક આરોગ્ય કર્મીઓ અને સેવકો તથા સફાઈ કામદારોની ચારેય મુખ્ય કેડરના સેવા કર્મીઓની સપ્રમાણ પસંદગી કરવામાં આવી છે. પહેલા દિવસના લાભાર્થીઓમા પ્રથમ સોમાં ૧૪ મહિલા તબીબો સહિત લગભગ ૬૦થી વધુ મહિલા કોરોના વોરિયર છે.  

શહેર-જિલ્લાના તમામ ૧૦ રસીકરણ કેન્દ્રો ખાતે તૈયારીઓ પૂર્ણ

વડોદરા શહેર જિલ્લાના ૧૦ કોવિડ રસીકરણ કેન્દ્રો ખાતે આવતીકાલ તા.૧૬ જાન્યુઆરી ના રોજ પ્રથમ હરોળના કોરોના યોદ્ધાઓને કોવિડ રસી મૂકવાનો પ્રારંભ થશે. જિલ્લા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ તમામ તૈયારીઓ નિર્ધારિત પ્રોટોકોલ પ્રમાણે પૂર્ણ કરવામાં આવી છે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ઉદય ટીલાવતે જણાવ્યુ કે ભારત સરકારના નિયત પ્રોટોકોલ અને એસ.ઓ.પી.ને ચુસ્ત રીતે અનુસરીને રસીકરણની તૈયારીઓ કરવામાં આવી છે. જિલ્લાના ગ્રામ વિસ્તારમાં સરકારી અને ખાનગી મળીને કુલ ચાર સંસ્થાઓ અને વડોદરા શહેરમાં છ કેન્દ્રો ઉભા કરવામાં આવ્યા છે. પ્રત્યેક સેન્ટર ખાતે અંદાજે ૧૦૦ લાભાર્થીઓને જરૂરી તકેદારી સાથે રસી આપવામાં આવશે. આ કેન્દ્રો ખાતે ડીપ ફ્રીઝ અને આઇ.એલ.આર. જેવી રસીને સલામત સાચવવાની સુવિધા રાખવામાં આવી છે. ડો.ઉદયે ઉમેર્યું કે રસીનો જરૂરી જથ્થો પણ રસીકરણ કેન્દ્રો ખાતે પહોંચાડવામાં આવ્યો છે.

કોરોના રસીકરણ કેન્દ્રમાં શું શું વ્યવસ્થાઓ ઉપલબ્ધ હશે?

સયાજીના રસીકરણ કેન્દ્ર ખાતે આઇ.સી.એમ.આર. અને ભારત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા નિર્ધારિત એસ.ઓ.પી.પ્રમાણે પ્રતીક્ષા ખંડ, નોંધણી ખંડ, રસીકરણ ખંડ અને રસી લેનારને ૩૦ મિનિટ સુધી નિરીક્ષણ હેઠળ રાખવા માટે નિરીક્ષણ ખંડ સહિતની જરૂરી તમામ સાધન સુવિધા રાખવામાં આવશે. જેમની રસી માટે પસંદગી થઈ છે એમને મહાનગર પાલિકા દ્વારા એસ.એમ.એસ.થી જાણ કરવામાં આવી છે. અહીં એક એમ્બ્યુલન્સ પણ તૈનાત રખાશે જેથી કદાચિત કોઈ રસી લેનારને વધુ આડઅસર જણાય તો તાત્કાલિક સારવાર માટે લઇ જઇ શકાય.

રસી આપવામાં કોને કોને પ્રાધાન્ય અપાશે?

વડોદરા શહેર-જિલ્લાના વિવિધ કોરોના રસીકરણ કેન્દ્રોના સ્થળે એડવર્સ ઇવેન્ટ્‌સ ફોલોઇંગ ઇમ્યુનાઈઝેસન કમિટીના વિવિધ શાખાઓના નિષ્ણાત તબીબો ઉપસ્થિત રહેશે. કોરોના વોર્ડમાં મોખરાની હરોળ અને સેકન્ડરી હરોળ એમ બે કેડર છે. ચાર કોર ડિપાર્ટમેન્ટ મેડીસીન,એનેસ્થેસિયા,ઇમરજન્સી મેડીસીન કેર અને પલ્મોનરી વિભાગના કર્મયોગી આ મોખરાની હરોળમાં રસીકરણ માટે પસંદ કરવામાં આવ્યા છે. તે પછી નોન કોર ગ્રુપના લોકોને રસી આપવામાં આવશે.

કયા મહાનુભાવની ઉપસ્થિતિમાં ક્યાં રસી અપાશે?

વડોદરા શહેરની સયાજી હોસ્પિટલ ખાતે વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી, જમનાબાઇ હોસ્પિટલ ખાતે સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટ, કિશનવાડી અર્બન હેલ્થ સેન્ટર ખાતે ધારાસભ્ય શ્રીમતી મનીષાબેન વકીલ, સત્યમ હોસ્પિટલ, છાણી ખાતે ધારાસભ્ય શ્રીમતી સીમાબેન મોહિલે, માણેજા અર્બન હેલ્થ સેન્ટર ખાતે ધારાસભ્ય અક્ષય પટેલ, બાપ્સ હોસ્પિટલ ખાતે ધારાસભ્ય જીતેન્દ્ર સુખડિયા, વરણામા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ધારાસભ્ય શૈલેષ મહેતા, ધીરજ હોસ્પિટલ ખાતે ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ, સાવલી સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ધારાસભ્ય કેતન ઈનામદાર અને સ્ટર્લીંગ હોસ્પિટલ ખાતે પૂર્વ મંત્રી ભુપેન્દ્ર લાખાવાલા કોવિડ રસીકરણનો પ્રારંભ કરાવશે.