અષાઢ મહિનાની ગુપ્ત નવરાત્રિ 22 થી 29 જૂન સુધી રહેશે. એક વર્ષમાં ચાર નવરાત્રિ આવે છે. ચૈત્ર અને આસો મહિનાની નવરાત્રિ સામાન્ય રહે છે, જ્યારે માઘ અને અષાઢ મહિનાની નવરાત્રિ ગુપ્ત રહે છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મા પ્રમાણે આ દિવસોમાં દસ મહાવિદ્યાઓની આરાધના કરવામાં આવે છે. આ દસ મહાવિદ્યાઓ છે- કાલી, તારા દેવી, ત્રિપુર-સિંદરી, ભુવનેશ્વરી, છિન્નમસ્તા, ત્રિપુર ભૈરવી, માતા ઘૂમાવતી, માતા બગલામુખી, માતંગી અને કમલા દેવી. ગુપ્ત નવરાત્રિમાં વિશેષ રૂપથી તંત્ર-મંત્ર સાથે સંબંધિત ઉપાસના કરવામાં આવે છે. મહાવિદ્યાઓની પૂજા સંપૂર્ણ વિધિ-વિધાન સાથે કરવી જોઇએ, નહીંતર પૂજા નિષ્ફળ થઇ શકે છે અથવા પૂજાની વિપરીત અસર પણ થાય છે. એટલે કોઇપણ યોગ્ય બ્રાહ્મણના માર્ગદર્શનમાં ગુપ્ત નવરાત્રિની પૂજા કરવી જોઇએ. 

ગુપ્ત નવરાત્રિમાં કઇ વાતોનું ખાસ ધ્યાન રાખવામાં આવે છેઃ

જે ભક્તો ગુપ્ત નવરાત્રિમાં દેવી માતાની પૂજા કરે છે, તેમણે બ્રહ્મચર્યનું પાલન વિશેષ રૂપથી કરવું જોઇએ. ઘરમાં સાફ-સફાઇનું ધ્યાન રાખો. તામસિક ભોજન કરશો નહીં, ફળાહાર કરો. અધાર્મિક વિચારો અને કાર્યોથી બચવું. ઘરમાં ક્લેશ કરશો નહીં.

ઋતુઓના સંધિકાળમાં નવરાત્રિ આવે છેઃ

ચાર નવરાત્રિ ઋતુઓના સંધિકાળમાં આવે છે. સંધિકાળ એટલે એક ઋતુનો પૂર્ણ થવાનો સમય અને બીજી ઋતુનો શરૂ થવાનો સમય. આવા સમયમાં સિઝનલ બીમારીઓની અસર વધી જાય છે. આ સમયે ખાન-પાન સંબંધિત સાવધાની રાખવી જોઇએ. નવરાત્રિમાં વ્રત-ઉપવાસ કરવાથી ખાનપાન સંબંધિત બેદરકારીથી બચી શકાય છે. આ દિવસોમાં એવા ભોજનથી બચવું જોઇએ, જે સરળતાથી પચે નહીં. વધારેમાં વધારે ફળાહાર કરવું જોઇએ.