વડોદરા : વડોદરા શહેરની ગોત્રી કોવિડ-૧૯ હોસ્પિટલમાં ગાંધીનગર હેલ્થ ડિપાર્ટમેન્ટ ઈન્સ્પેકશન કરે તે અગાઉ બોગસ આર્મી ડોકટરે હોસ્પિટલની મુલાકાત કરી દર્દીઓની માહિતી મેળવ્યા બાદ ફરાર થઈ જતાં હોસ્પિટલની ગંભીર બેદરકારી બહાર આવી હતી. બોગસ આર્મી ડોકટર વિરુદ્ધ હોસ્પિટલના આરએમઓ ડો. અજિત ઝવેરીએ ગોરવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ બનાવની પ્રાપ્ત વિગત અનુસાર ગત તા.૧૯મી ઓકટોબરમાં ગોત્રી જીએમઈઆરએસ હોસ્પિટલમાં ગાંધીનગર ખાતેથી હેલ્થ ડિપાર્ટમેન્ટ તરફથી ઈન્સ્પેકશન રાખવામાં આવ્યું હતું. જેથી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. વિશાલાબેન પંડયા અને આરએમઓ ડો. ઝવેરીએ ઈન્સ્પેકશનની તૈયારીઓ હાથ ધરી હતી. દરમિયાન સુપ્રિ.એ હોસ્પિટલના કર્મચારીઓ અને અધિકારીઓને સૂચના આપી હતી કે હેલ્થ ડિપાર્ટમેન્ટની ટીમ જ્યારે પણ હોસ્પિટલમાં તપાસ અર્થે આવે ત્યરે તેઓને જરૂરી સહકાર આપવો. દરમિયાન ૧૯મી ઓકટોબરના રોજ વહેલી સવારે પાંચ વાગ્યાની આસપાસ એક અજાણી વ્યક્તિ મોંઢા ઉપર માસ્ક અને માથે પંજાબી જેવી પાઘડી પહેરીને કોવિડ-૧૯ ઓપીડી ખાતે આવી ચડયો હતો જેથી ફરજ પરના સિકયુરિટી ગાર્ડે ડો. રૂપલ શાહનો સંપર્ક કરાવ્યો હતો. અજાણી વ્યક્તિએ વાતચીત દરમિયાન પોતાનો પરિચય લક્ષ્યપ્રીતસિંગ હોવાનું અને પોતે એક્સ આર્મી ડોકટરની ઓળખ આપી હતી અને હોસ્પિટલની તપાસ કરવા આવેલ હોવાનું જણાવ્યું હતું. જેથી ફરજ પરના તમામ સ્ટાફને સુપ્રિન્ટેન્ડેન્ટના સહકાર આપવાની સૂચનાની જે તે સમયના ફરજ પરના તબીબો અને કર્મચારીઓએ અજાણ્યા શખ્સને પૂરો સહકાર આપી તેને જરૂરી દર્દીઓ, આઈસીયુ અને ઓપીડીની માહિતી આપી હતી. ત્યાર બાદ અજાણી વ્યક્તિના હોદ્દાની જાણકારી અંગેની પૂછપરછ સાથે હેલ્થ ડિપાર્ટમેન્ટનું ઓળખ કાર્ડ માગતાં પોતાનું ઓળખ કાર્ડ બતાવવાને બદલે કારમાં આવેલ તે લઈને રવાના થઈ ગયો હતો. ગાંધીનગરથી હેલ્થ ડિપાર્ટમેન્ટ તરફથી આવેલ ટીમના સભ્યોને વહેલી સવારે આવેલા લક્ષ્યપ્રીતસિંગ નામની વ્યક્તિ અંગેની તપાસ કરતાં હેલ્થ વિભાગના ટીમના સદસ્યોએ આવી કોઈ વ્યક્તિ ન હોવાનો ચોંકાવનારો ખુલાસ થયો હતો. અજાણ્યા બોગસ એક્સ આર્મી ડોકટરના નામે હોસ્પિટલમાં આવી પહોંચી દર્દીઓની વિગતો લઈને ફરાર થયેલા અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગોત્રી હોસ્પિટલના આરએમઓ ડો. ઝવેરીએ ગોરવા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.