લીમખેડા,તા.૨૧

   દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના દુધિયાધરા ગામે ગત ૭મી એપ્રિલના રોજ સાત વર્ષ અગાઉ આંબાના વૃક્ષના આપેલા પૈસાની વાત કરવા બાબતે થયેલા ઝઘડામાં ઉશ્કેરાયેલા ગામના બે શખ્સો દ્વારા ગામના જ વ્યક્તિ ઉપર કુહાડી તથા લાકડી વડે કરેલા હુમલામા થાપાના ભાગે તથા હાથના ભાગે ગંભીર ઇજા થતા ઈજાગ્રસ્તને દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો સારવાર બાદ ૧૬મીના રોજ તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા હોમકોરન્ટાઈન દરમિયાન ગઈકાલે સાંજે તેનુ મોત નિપજતા હત્યાનો ગુનો નોંધાયો હતો. ગઈકાલે સાંજે દલાભાઈ ભુરીયાના થયેલા મોત થી તેના પરિવારજનોએ ગામમાં ભારે ધીંગાણું મચાવ્યું હતું. મૃતકના પરિવારજનો દ્વારા પથ્થરમારો કરી ગાડીઓના કાચ ઉપરાંત ભારે તોડફોડ કરવામાં આવી હતી અને આરોપીઓના ઘરના આંગણામાં જ મૃતકની અંતિમવિધિ કરી દેવામાં આવતા ગામમાં ભારે ઉત્તેજના વ્યાપી જવા પામી હતી. લીમખેડા પોલીસે તોડફોડ કરવા બદલ ફરિયાદની કાર્યવાહી હાથ ધરી છે. લીમખેડા તાલુકામાં આવેલા દુધિયાધરા ગામના નિશાળ ફળિયામાં રહેતા દલાભાઈ વેસ્તાભાઈ ભુરીયા ગત ૭મી એપ્રિલના રોજ સવારમાં આશરે સાડા નવેક વાગ્યાના સુમારે પોતાના ઘરે હતો તે દરમિયાન ગામના જ સામાભાઈ કાળુભાઇ ભુરીયા તેના હાથમાં કુહાડી તેમજ બચુભાઈ હુમજીભાઈ ભુરીયા તેના હાથમાં લાકડી લઈને દલાભાઈના ઘરે દોડી આવ્યા હતા અને સાત વર્ષ અગાઉ આંબાના ઝાડ ના પૈસા કીડીયા ભાઈ હુમજીભાઈ ને આપેલ હતા જે પૈસાની હાલમાં કેમ વાત કરે છે તેમ જણાવી ઉશ્કેરાઈ જઈને સામાભાઇ ભુરીયાએ તેના હાથમાંની કુહાડીની મુંદર દલાભાઈને થાપાના ભાગે મારી ફેક્ચર કર્યું હતું. તેમજ બચુભાઈ ભુરીયાએ પણ લાકડી વડે હુમલો કરી દલાભાઈ વેસ્તાભાઈ ભુરીયાના જમણા હાથે ઇજા પહોંચાડી હતી ઇજાગ્રસ્તને લીમખેડા સરકારી દવાખાનામાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યારબાદ ગત ૧૬મી એપ્રિલના રોજ દલાભાઈ ભુરીયાનો કોરોના સંબંધી રિપોર્ટ કરવામાં આવતા કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેને પરત ઘરે દુધિયાધરા ગામે હોમ ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યો હતો. આ દરમિયાન ગઈ કાલે મંગળવારની સાંજે દલાભાઈ વેસ્તાભાઈ ભુરીયાનુ મોત નીપજ્યું હતું. આ બનાવ સંદર્ભે દુધિયાધરા ગામની કમળાબેન રાયસીંગભાઈ ભુરીયાએ નોંધાવેલી ફરિયાદના પગલે લીમખેડા પોલીસે ઉક્ત બંને આરોપીઓ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.