નડિયાદ : નડિયાદ નગરપાલિકાની આળસનો નમૂનો સામે આવ્યો છે. પાલિકા જે વિસ્તારોમાં કચરાનો ઢગ કરે છે ત્યાંથી કચરાનો નિકાલ કરવાને બદલે સળગાવી દઈ પ્રદૂષણ ફેલાવવાનું પસંદ કરે છે. કોરોના કાળમાં નટપૂરના'ફેંફસા'સાથે ખુદ પાલિકા રમત રમી રહી છે. 

શહેરના વિવિધ વિસ્તારોમાં કોઈ એક ચોક્કસ જગ્યા નિયત કરવામાં આવે છે, જ્યાં સમગ્ર વિસ્તારનો કચરો એકઠો કરવામાં આવે છે. ત્યારબાદ આ કચરાને સમાયંતરે ત્યાંથી અન્ય નિયત કરેલી જગ્યાએ નિકાલ કરવાનો હોય છે, પરંતુ નડિયાદ નગરપાલિકાના આળસું કર્મચારીઓ અને બેજવાબદાર અધિકારીઓના કારણે લોકોના સ્વાસ્થ્ય સામે જોખમ ઊભું થઈ રહ્યું છે. નડિયાદ નગરપાલિકા દ્વારા સેનેટરી વિભાગમાં જુદાં - જુદાં કર્મચારીઓને જે-તે વિસ્તારના કચરો ઉઘરાવવા સહિત એકત્રિત કરી તેનો યોગ્ય નિકાલ કરવાની જવાબદારી સોંપાયેલી હોય છે. કર્મચારીઓ પોતાની અણઆવડતના કારણે આ તમામ કામગીરી કરવામાં ઉણા ઉતરી રહ્યાં છે. જેનો ઉત્તમ નમૂનો આજે નડિયાદ શહેરના હાર્દસમિ વિસ્તાર મહાગુજરાતમાં જોવા મળ્યો હતો. મહા ગુજરાતથી ચકલાસી ભાગોળ તરફ જતાં શીતલ ગ્રાઉન્ડની સામે પાલિકાએ વિસ્તારનો કચરો એકત્રિત કરવા માટે જગ્યા નિયત કરી છે, પરંતુ અહીંયાથી એકત્રિત કરાયેલાં કચરાનો સમાયંતરે નિકાલ થતો નથી. જેથી દિવસોના દિવસો સુધી કચરાના ઢગ યથાવત રહે છે.

આટલું ઓછુ હોય તેમ આ કચરાનો નિકાલ ન કરવો પડે તે માટે પાલિકાના કર્મચારીઓ અહીંયા એકત્રિત થયેલો કચરો સળગાવી રહ્યાં છે, જેનાં કારણે હવામાં પ્રદૂષણ ફેલાય છે. વળી, આ વિસ્તારમાં જ્યાં કચરો સળગાવવામાં આવે છે, ત્યાંથી ફક્ત 50 મીટરના અંતરે રહેણાંક વિસ્તાર ઉપરાંત હોસ્પિટલ અને ગ્રાઉન્ડ આવેલું છે. જ્યાં મોટી સંખ્યામાં લોકોની અવરજવર પણ હોય છે. પાલિકા કોઈ પણ સામાન્ય નાગરિકોની અને તેમનાં સ્વાસ્થ્યની પરવાહ કર્યા વિના અહીંયા જાહેરમાં જ કચરો સળગાવે છે. 

આ ઉપરાંત વિસ્તારની અનેક સોસાયટીઓ અને ફળિયામાં કચરો ઉઘરાવવામાં પણ અધિકારીઓ અને કર્મચારીઓ ઉણા ઊતર્યા છે. ચકલાસી ભાગોળના અનેક વિસ્તારોમાં નિયમિત કચરો ન ઉઘરાવવાના કારણે કચરાના ઢગ થયાં છે. 

કર્મચારીઓ અને અધિકારીઓને ચીફ ઓફિસર દ્વારા તાલીમ આપવામાં આવે

સેનેટરી વિભાગની આ બેદરકારી અને નગરપાલિકામાં જે-તે કામ કરવા માટે નિમાયેલા કર્મચારીઓ અને અધિકારીઓને પાલિકાના ચીફ ઓફિસર દ્વારા તેમની કામગીરી સમજાવવા વિશેષ તાલિમ કાર્યક્રમ યોજવો જોઈએ તેમ સામાન્ય નાગરિકોનો મત છે. 

કચરો સળગાવવાનું બંધ કરો, નાગરિકોની માગણી

આ ઉપરાંત તાત્કાલિક ધોરણે જાહેરમાં કચરો ન સળગાવવા અંગે કર્મચારીઓને ટકોર કરવામાં આવે અને દરેક સોસાયટી અને ફળિયામાંથી કાયમી કચરો ઉઘરાવવામાં આવે તેવી માગ પ્રબળ બની છે.