રાજકોટ રાજકોટમાં સવારે ગાંધીગ્રામ અને યુનિવર્સિટી પોલીસની ટીમોએ દારૂની ડ્રાઇવ યોજી હતી. જેમાં ઘંટેશ્વર ૨૫ વારીયા વિસ્તાર, છોટુનગર અને રૈયાધાર વિસ્તારમાં દરોડા પાડી મહિલાઓ સહિત ૮ શખસને દારૂ સાથે પકડ્યા હતા. પોલીસે ૬૮ લિટર દેશી દારૂ ઝડપી પાડ્યો છે.ગાંધીગ્રામ પોલીસે છોટુનગરમાં રહેતા વજુ બાઘુભાઇ વાજેલીયા, મધુબેન ઉર્ફે મધી દેવરાજ વાજેલીયા અને જીતેષ ઉર્ફે ચકો કાળુભાઇ ઢાંઢનપરીયાને ૧૭૦૪ રૂપિયાના ૧૩ લિટર સાથે પકડી પાડવામાં આવ્યા હતા. જ્યારે યુનિવર્સિટીની ટીમે રૈયાધારમાં દરોડા દરમિયાન સાગર બાબુભાઇ સાડમીયા, સાગર રાયધનભાઇ સાડમીયા, અજય ઉર્ફે બીસો કાળુભાઇ મકવાણા, વસંતબેન બાબુભાઇ વાજેલીયા અને નીમુ રાજુ વઢવાણીયાને ૧૧૦૦ રૂપિયાના ૫૫ લિટર દેશી દારૂ સાથે ધરપકડ કરવામાં આવી હતી. આ ઉપરાંત ૮ શખસોના ઘરે પ્રોહિબિશન અંગે નિલ રેડ કરાઈ હતી. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ એહમદ, ડીસીપી મનોહરસિંહ જાડેજા અને એસીપી પી.કે.દિયોરાની સુચના તથા માર્ગદર્શન હેઠળ સવારમાં ડ્રાઇવ કરી હતી.

રાજકોટ શહેર ઉપરાંત જિલ્લાના જેતપુર, ગોંડલ, શાપર, લોધિકા વિસ્તારમાં લોખંડની પ્લેટોની ચોરી કરનાર ઝડપાયા

રાજકોટ રાજકોટ શહેર ઉપરાંત જિલ્લાના જેતપુર, ગોંડલ, શાપર, લોધિકા વિસ્તારમાં લોખંડની પ્લેટોની ચોરી કરનારે રાજકોટ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી ૧૯ જેટલા ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસે બે આરોપીની ધરપકડ કરી તેની પાસેથી કુલ ૩,૯૦,૦૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તપાસમાં આરોપીઓએ અત્યાર સુધીમાં ૧૯ જેટલા ગુનાને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે. આ સાથે પકડાયેલા આરોપીઓ પૈકી વિનોદ જેઠવા દિવસે મોટરસાયકલ પર રેકી કરી વહેલી સવારના સમયે વાહન ભાડે બાંધી લોખંડની પ્લેટ ચોરી કરી તેમાં ભરી નાસી જતા હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્યું છે. રાજકોટ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પેટ્રોલિંગમાં હતી દરમિયાન તેઓને ચોક્કસ બાતમી મળી હતી. જેમાં આરોપીઓ ચોરી કરેલી લોખંડની પ્લેટ સગેવગે કરવા જાય તે પહેલા તેની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી. જેમાં આરોપીઓએ તેમના નામ વિનોદ જેઠવા અને અમિત કારડિયા જણાવ્યું હતું. તેમની પાસે રહેલી લોખંડની પ્લેટ ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી. જેના આધારે પોલીસે બન્ને આરોપીની ધરપકડ કરી આઈપીસી કલમ ૩૭૯ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પકડાયેલા આરોપીઓ પાસેથી પોલીસે લોખંડની ૩૭૮ પ્લેટ, એક મોટરસાયકલ અને એક મોબાઇલ મળી કુલ ૩,૯૦,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે પોલીસ પૂછપરછમાં વધુ એક આરોપી જગાનું નામ ખુલતા તેને પકડી પાડવા પોલીસે શોધખોળ હાથ ધરી છે.