ગાંધીનગર-

મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગ દ્વારા ગત સપ્તાહથી કોરોના સંક્રમણ નિયંત્રિત કરવા સુપર સ્પ્રેડરના એન્ટિજન ટેસ્ટ કરાઈ રહ્યા છે.છેલ્લા પાંચ દિવસમાં ૧૫૦ જેટલા સુપર સ્પ્રેડર મળી આવ્યા છે. તંત્ર દ્વારા શુક્રવાર સુધી સુપર સ્પ્રેડરને શોધવા કાર્યવાહી કરવામાં આવશે. શહેરના વિવિધ વિસ્તારોમાં કાર્યરત કરવામાં આવેલાં એન્ટિજન ટેસ્ટ માટેના કીઓસ્ક પર ટેસ્ટ કરાવવા આવતા લોકો પૈકી ૮૦ ટકા લોકો એસિમ્પ્ટોમેટીક હોવાનું તંત્ર દ્વારા તારણ કાઢવામાં આવ્યું હોવાનું સત્તાવાર સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.

મળતી માહીતી પ્રમાણે,અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દિવાળી પર્વ પહેલાં શહેરના સાત ઝોનના વિવિધ વિસ્તારોના ફેરીયા ઉપરાંત દુકાનદારો, મિઠાઈ અને ફરસાણ સહીતની ચીજાેના વેચાણ સાથે સંકળાયેલા લોકોના રેપીડ એન્ટિજન ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. દરરોજ દરેક ઝોનમાં અંદાજે ત્રણસો જેટલા ટેસ્ટ કરવાનું લક્ષ્યાંક અધિકારીઓને સોંપવામાં આવ્યું છે. પાંચ દિવસમાં ૧૫૦ સુપર સ્પ્રેડર તંત્ર દ્વારા શોધી કાઢવામાં આવ્યા છે.

શહેરના ઉત્તરઝોનના અલગ-અલગ વિસ્તારોમાં સુપર સ્પ્રેડર શોધવા કુલ ૨૧૩ રેપીડ ટેસ્ટ કરાયા હતા એ પૈકી સાત કોરોના પોઝિટિવ કેસ મળી આવ્યા હતા. પુર્વ ઝોનના રામોલ-હાથીજણ અને ભાઈપુરા વોર્ડમાં મળીને વીસ જેટલાં સુપર સ્પ્રેડરના ટેસ્ટ કરાયા છે.