ગાંધીનગર-

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભાવનગર પોલીસ આવાસનું ઇ-લોકાર્પણ કર્યું છે. 41.36 કરોડના વિકાસ કામોનું ઇ-લોકાર્પણ કર્યું. આ કાર્યક્રમમાં રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા પણ હાજર રહ્યાં હતા. મુખ્યમંત્રી રૂપાણીએ ઇ-લોકાર્પણને લઇને સંબોધનમાં કોરોના અંગે પણ માહિતી આપી હતી. સીએમ રૂપાણીએ કહ્યું કે રાજ્યમાં અત્યાર સુધીમાં 50 લાખ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યાં છે. રાજ્યની કુલ વસ્તીના 8 ટકા વસ્તીના કોરોના ટેસ્ટ થયા. CM રૂપાણીએ કોરોનાને લઇને માહિતી આપતા કહ્યું કે રાજ્યમાં રિકવરી રેટ 87 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોનાતી મૃત્યુ દર ઘટીને 3 ટકા થયો. જો આ ઇ-લોકાર્પણમાં મુખ્યમંત્રી સાથે હાજર રહેલા ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું કે રાજ્યમાં 3 વર્ષમાં 40 હજાર પોલીસની ભરતી કરવામાં આવી છે.મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના સર્વગ્રાહી વિકાસના પાયામાં સુદ્રઢ કાયદો વ્યવસ્થાની સ્થિતી છે તેવો સ્પષ્ટ મત વ્યકત કર્યો છે. તેમણે આ સંદર્ભમાં રાજ્ય પોલીસદળને અભિનંદન આપતાં જણાવ્યું કે, કાયદો વ્યવસ્થાની જાળવણીમાં શાંતિ-સલામતિ ડહોળનારાઓ સામે રાજ્યનું પોલીસદળ ઝિરો ટોલરન્સથી કાર્યરત છે. મુખ્યમંત્રીએ ભાવનગર રેન્જ આઇ.જી.કચેરીના રૂ. ૩.૯૦ કરોડના ખર્ચે બનનારા અદ્યતન ભવન સહિત ત્રણ પોલીસ લાઇન, ડોગ કેનાલના ખાતમૂર્હત અને સનેસ પોલીસ મથકના લોકાર્પણ સહિત રૂ. ૪૧.૩૬ કરોડના વિકાસ કામોની ભેટ ઇ-લોકાર્પણ-ખાતમૂહર્ત દ્વારા ભાવનગરને આપી હતી. 

આપણે કાયદાઓ વધુ કડક બનાવીને અસામાજિક તત્વો, ગુંડાગર્દી કરનારાઓ સામે સખ્તાઇથી પેશ આવવા સાથે હુલ્લડ-મૂકત ગુજરાત બનાવી લોકોની સુખ-સમૃદ્ધિ શાંતિ-સલામતિથી ગાંધી-સરદારનું ગુજરાત પ્રસ્થાપિત કરવું છે એમ તેમણે ઉમેર્યુ હતું. વિજય રૂપાણીએ જણાવ્યું કે, પ્રજાની જાન-માલની રક્ષા કરનારા પોલીસ કર્મીઓને કપરી ફરજો પછી ઘરે આવે ત્યારે માનસિક શાંતિ મળે, તેમનું જીવન પ્રફૂલ્લિત-તનાવમુકત રહે તેવી આવાસ સગવડો આપણે સુવિધાસભર પોલીસ આવાસોના નિર્માણથી આપી છે. મુખ્યમંત્રીએ કોરોના સંક્રમણને કારણે વિકાસની ગતિ અટકી નથી તેનો વિશેષ ઉલ્લેખ કરતાં જણાવ્યું કે સવા અગિયાર હજાર કરોડ રૂપિયાથી વધુના વિકાસ કામોના લોકાર્પણ-ભૂમિપૂજન આ કોરોના કાળ દરમ્યાન ડિઝીટલી કર્યા છે. તેમણે કોરોના સંક્રમણ સામે જનસહયોગ, વહિવટીતંત્ર અને આરોગ્ય, પોલીસ સહિતના વિભાગોની ફરજનિષ્ઠાથી ગુજરાતમાં કોરોનાનો વ્યાપ નિયંત્રણમાં રાખી શકાયો છે તેની વિસ્તૃત છણાવટ કરી હતી.