ગાંધીનગર, ગાંધીનગર ડેપોને મોડેલ ડેપો બનાવાની યોજના લાંબા સમયના અંતે પણ સાકાર થઇ નથી. જયારે ડેપોમાં મુસાફરોની સલામતી અને સુવિધાના નામે પણ મીંડુ ચિતરાયેલુ છે. આવા સંજાેગોમાં ડેપોને ઇલેક્ટ્રીક બસો ફાળવવામાં પણ વિલંબ થઇ રહ્યો છે. ત્રણ વર્ષ અગાઉ ઇલેક્ટ્રીક બસ વાઇબ્રન્ટના એક્સપોમાં મુકાઇ હતી. ત્યારે ગાંધીનગર ડેપોને પણ આ બસો ફાળવવાની જાહેરાત કરાઈ હતી. પરંતુ હજુ સુધી આ અંગે નક્કર કોઈ આયોજન કરવામાં આવ્યું નથી.

રાજ્યના પાટનગર ગાંધીનગરના એસ ટી બસ ડેપોને ‘મોડેલ ડેપો’ બનાવવા માટેની ભૂતકાળમાં જાહેરાત કરાઈ હતી. પરંતુ તંત્ર દ્વારા આ ‘મોડેલ ડેપો’ની યોજના અભેરાઇએ ચઢાવી દેવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે. અમદાવાદના ગીતા મંદિર અને રાણીપની જેમ ગાંધીનગર ડેપોને પણ વિકસાવવા માટે આયોજન કરાયું હતું. પરંતુ હજુ સુધી આ મામલે કોઈ નક્કર કામગીરી હાથ ધરવામાં આવી નથી. ગાંધીનગર એસ ટી બસ ડેપોને સોહામણુ અને સુવિધાયુક્ત બનાવવાની વાત તો દૂર રહી, પરંતુ ડેપોમાં અવરજવર કરતા મુસાફરોની સલામતીને અનુલક્ષીને પણ કોઇ પગલાં લેવાયા નથી.

ડેપોમાં પોલીસ ચોકી કાર્યરત કરવા તેમજ મુસાફરલક્ષી સુવિધાઓ ઉભી કરવા માટે પણ વર્ષોથી દુર્લક્ષતા સેવવામાં આવી રહી છે. જયારે ગાંધીનગર ડેપો કક્ષાએથી શહેરી બસ સેવા ઉપરાંત અન્ય રૂટોને જાેડતી બસ સેવા પણ કથળી હોવાનો આક્રોશ મુસાફરો ઠાલવી રહ્યા છે.ત્યારે ગાંધીનગરમાં ઇલેક્ટ્રિક બસો દોડાવાની યોજના પણ હજુ સાકાર થઇ નથી. ત્રણ વર્ષ અગાઉ ગત વાઈબ્રન્ટ ગુજરાત સમિટ દરમિયાન ઇલેક્ટ્રીક બસને એક્સપોમાં પણ મૂકવામાં આવી હતી. ત્યારે એવી જાહેરાત કરવામાં આવી હતી કે, પાટનગર ગાંધીનગરના એસટી ડેપાને પણ ઇલેક્ટ્રીક બસોની ફાળવણી કરવામાં આવશે. જાે કે આ જાહેરાતને ત્રણ વર્ષ જેટલો લાંબો સમય થઇ ગયો હોવા છતાં ગાંધીનગર એસટી બસ ડેપોમાં હજુ બસ સેવા અપગ્રેડ થઇ નથી. તંત્ર દ્વારા જાન્યુઆરી ૨૦૨૨ માં ગાંધીનગર એસટી બસ ડેપોને નવી બસો ફાળવવાનુ આયોજન કરાયુ હતું. પરંતુ હજુ સુધી ગાંધીનગર ડેપોને નવી એક પણ બસ ફાળવવામાં આવી નથી. ગાંધીનગર ડેપોમાં તબક્કાવાર નવી બસો ફાળવવા માટે આયોજન કરાયુ હોવાનુ પણ સુત્રોએ જણાવ્યું હતું.