હાલોલ, તા.૧ 

દર વર્ષે આનંદ ચૌદસના દિવસે ગણપતિબાપ્પાનું વાજતે ગાજતે અબીલ ગુલાલની છોળો સાથે યાત્રા કાઢી વિસર્જન કરવામાં આવે છે, જ્યારે ચાલુ વર્ષે કોરોનાની મહામારીને પગલે હાલોલ શહેરમાં પંડાળોમાં શ્રીજીની વિરાટ મુર્તિઓનું સ્થાપન કરવામાં આવેલ ન હતું. લોકો દ્વારા પોતાના ઘરોમાં નાની નાની માટીની મુર્તિઓની સ્થાપના કરવામાં આવેલ હતી, શહેરમાં ૫૦૦ થી ૬૦૦ ઉપરાંત ગણપતિ ભગવાનની નાની મુર્તિઓની સ્થાપના ભાવિક ભક્તો દ્વારા પોતાના ઘરોમાં કરવામાં આવેલ હતી. મંગળવારે આનંદ ચૌદસના દિવસે શહેરના લોકો દ્વારા પોતાના ઘરોમાં સ્થાપના કરેલ શ્રી ગણેશ ભગવાનની મુર્તિઓનું વિસર્જન ઘરમાં આવેલ ટાંકામાં, પ્લાસ્ટીકના પીપમાં ને બનાવેલ કૃત્રિમ તળાવમાં શાસ્ત્રોક્ત વિધી સાથે ભારે ઉદાસીનતા પૂર્વક કરવામાં આવેલ હતું. દર વર્ષે ડીજે ને ઢોલ નગારા સાથે વાજતે ગાજતે અબીલ ગુલાલ ની છોળો ઉરાડતા શ્રીજીની વિસર્જન યાત્રા શહેરના રાજમાર્ગો પરથી પસાર કરી સિંધવાવ તળાવ ખાતે ને વડાતળાવ ખાતે પધરાવવામાં આવતી હતી.