ગાંધીનગર,

રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગનું માનીએ તો, હાલમાં વરસાદની 2 સિસ્ટમો વેલમાર્ક લો પ્રેશર અને અપર એર સાયક્લોનિક સક્રિય થઈ છે. જેની અસરને પગલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ પડી શકે છે.

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહીને પગલે સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ભારે વરસાદને કારણે નદીઓમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે. અને આથી લોકોને આસપાસના વિસ્તારમાં ન જવા અપીલ કરાઈ છે. આ ઉપરાંત મધ્ય ગુજરાત અને અમદાવાદમાં પણ ભારે વરસાદની શક્યતા છે. તો આ તરફ ઉત્તર ગુજરાતમાં પણ આજે વરસાદ પડી શકે છે. 

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. ક્યાંક ધીમીધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 215 તાલુકામાં વરસાદ થયો છે...જેમાં સૌથી વધારે કાલાવાડમાં 15.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. તો પડધરીમાં 9 ઈંચ, ખંભાળિયામાં 9 ઈંચ, ધ્રોલમાં 8.5 ઈંચ, જામગનરમાં સવા 8 ઈંચ, જોડીયામાં 7.5 ઈંચ, લાલપુરમાં 7 ઈંચ, ભચાઉમાં સવા 6 ઈંચ અને લોધીકામાં 5.5 ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે રાજકોટમાં સવા 5 ઈંચ, અંજારમાં 5 ઈંચ, ગાંધીધામમાં 4.5 ઈંચ, વઘઈમાં સવા 4 ઈંચ, ટંકારામાં 4 ઈંચ, કોડીનારમાં 4 ઈંચ વરસાદ નોંધાયો છે...તેમજ અન્ય તાલુકામાં દોઢ ઇંચથી લઇને ચાર ઇંચ સુધી વરસાદ વરસ્યો છે.