આણંદ : આણંદ ઉપરાંત ખંભાત, તારાપુર, પેટલાદ, વિરસદ, વિદ્યાનગર અને સંદેશર સહિત અલગ-અલગ વિસ્તારમાં ફોર્ચ્યુનર કાર લઈને ઈકો ગાડીના સાયલન્સર ચોરી કરવા આવતી ટોળકીને આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે બોરસદના નિસરાયા પાસેથી ઝડપી પાડ્યા હતા. તેઓની પૂછપરછ હાથ ધરતા ઈકો કારના સાયલન્સરમાં આવતી ૯૦૦ ગ્રામ માટી અને તેમાં આવતી કિંમતી ધાતુને લઈને તેઓ ચોરી કરતા હોવાની કબુલાત કરી હતી. અન્ય કાર કરતાં ઈકો કારમાં સૌથી વધુ માટી આવે છે. આ માટીમાં પ્લેટીનમ નામની ધાતુ હોય છે. ઈકો કારમાં અંદાજે ૯૦૦ ગ્રામ માટી હોય છે જેમાં .૦૪ પ્લેટીનમ આવે છે. જોકે, ગણતરી કરવામાં આવે તો તેની વેલ્યુ કંઈ જ નથી. અત્રે એ ઉલ્લેખનીય છે કે, એલસીબીની ટીમે ઈકો કારમાંથી સાયલેન્સરની ચોરી કરનારા આસિફ ઉર્ફે રૂપાલ ઐયુબ વ્હોરા, ઈરફાન ઉર્ફે ગજની અબ્દુલ વ્હોરા, તોફીક મહેબુબ પીંજારા, ફિરોજપુર ઉર્ફે ઈંગલિશ રસુલ વ્હોરા તેમજ વિજય રાજુ ઠાકોર (તમામ રહે. ધોળકા)ને ઝડપી પાડયા હતા. વધુમાં માટી ભરૂચ ખાતે રહેતા સુનીલ નટવર બબા અને મોતી બબા લસણીયા દેવીપૂજકને વેચતા હોવાની કબુલાત કરતા પોલીસે તેમને પણ ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલા આરોપીઓમાં આસિફ રૂપાલ અગાઉ ૨૦ જેટલી ઢોર ચોરીના ગુનામાં પકડાયો હતો. તેનું મોસાળ ખંભાતના નગરા ગામે થતું હોય તે આણંદ જિલ્લાના તમામ રસ્તાઓથી માહિતગાર હતો. દરમિયાન ઈકો કારના સાયલેન્સરમાં આવતી માટી કીંમતી હોવાની જાણ તેને થતા જ આશિક રૂપાલે ગેંગ બનાવી રાત્રિના અરસામાં જુદા જુદા વિસ્તારોમા ઇકો કારમાંથી સાયલેન્સરની ચોરી કરતો હતો. પોલીસ પૂછપરછમાં આણંદ-ખેડામાં છેલ્લાં વીસ દિવસમાં જ તેઓએ બહાર પાર્ક કરેલી ઈકો કારને નિશાન બનાવી કુલ ૩૮ કારના સાયલન્સર ચોરી કરી તેમાંની માટી કાઢી લીધી હતી. જેનાથી વોઈસ અને હવાનું પ્રદૂષણ ઘટી જવા ઉપરાંત તેમાં પ્લેટીનમ સહિતની કિંમતી ધાતુ હોય છે. નવી માટીનો ભાવ રૂ ૧૫થી ૧૭ હજાર બોલાય છે. જ્યારે ઝડપાયેલી ટોળકી ઈકો કારના સાયલેન્સરમાંથી માટી કાઢીને રૂપિયા ૮થી ૧૦ હજારમાં વેચતી હતી. ભરૂચના બંને શખ્સોની પૂછપરછમાં તેઓ પાટણ જિલ્લાના હારીજ ગામે રહેતા દિનેશ નામના શખ્સને માટી વેચતા હતા. જોકે, તેને પકડવાનો બાકી છે. પરંતુ એક માહિતી અનુસાર, નેટવર્ક માત્ર આણંદ જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાત ઉપરાંત દિલ્હી-મુંબઈમાં પણ ફેલાયેલું હશે. જેને પગલે હજુ પણ કેટલાં આરોપી સંડોવાયેલા છે, માટીનો બીજો કોઈ ઉપયોગ કરતા હતા કે કેમ તે બધી બાબતોને લઈને જ આરોપીઓને કોર્ટમાં રજૂ કરી સાત દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.