વડોદરા

ગોત્રી-સેવાસી રોડ પર પાણીની લાઈનની કામગીરી વખતે જેસીબીથી ચાલતા ખોદકામ દરમિયાન ગેસલાઈનમાં ભંગાણ સર્જાતાં લાગેલી આગથી લોકટોળાં એકઠાં થયાં હતાં. આ બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડ અને ગેસ વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ દોડી ગયા હતા અને ગેસલાઈનનો વાલ્વ બંધ કરી આગ બુઝાવી હતી. ત્યાર બાદ રિપેરિંગની કામગીરી હાથ ધરાઈ હતી. જાે કે, આગના કારણે લગભગ દોઢ કલાક અઢી હજાર લોકોના ઘરોમાં ગેસનો પુરવઠો ખોરવાયો હતો.

ગોત્રી-સેવાસી રોડ પર ઈસ્કોન હાઈટ્‌સની ગલીમાં સાંજના સમયે પાણીની લાઈનના વાલ્વની કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન એકાએક જેસીબીથી ગેસની મેઈન લાઈનમાં ભંગાણ સર્જાતાં આગ ફાટી નીકળી હતી. આગની ઊંચે ઊડતી અગનજ્વાળાઓને જાેઈને લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. આ બનાવની જાણ ફાયર બ્રિગેડને કરાતાં લાશ્કરો તરત જ દોડી ગયા હતા અને આગના બનાવની જાણ વડોદરા ગેસ કંપનીને કરાતાં ગેસ વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ દોડી ગયા હતા.

ન્યુ અલકાપુરીથી ગોત્રી જતી મુખ્ય લાઈનમાં ભંગાણ સર્જાતાં આગ લાગતાં ગેસ વિભાગે વાલ્વ બંધ કર્યો હતો ત્યાર બાદ લાશ્કરોએ પાણી અને ફોર્મનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો. ત્યાર બાદ ગેસ વિભાગ દ્વારા રિપેરિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ગેસલાઈનમાં ભંગાણને પગલે સાંજે ૪.૩૦થી ૬ દરમિયાન લગભગ દોઢ કલાક રપ૦૦ જેટલા ઘરોમાં ગેસનો પુરવઠો ખોરવાયો હતો. અવારનવાર વિવિધ કામગીરીના પગલે પાણી-ડ્રેનેજ લાઈન, ગેસ લાઈન વગેરે લાઈનોમાં ભંગાણ સર્જાતું હોય છે, ત્યારે વધુ એકવાર ગેસલાઈનમાં ભંગાણ સર્જાયું હતું.